ભારતની સરહદે ચીનની અવળચંડાઇ અને ભારતીય સૈનિકો પરના હુમલા પછી દેશભરના નાગરિકો ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યાં છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો ચીનની કંપનીઓ માટે લાલજાજમ બિછાવી રહી છે. ચીનનું મૂડીરોકાણ ભારતની જેમ ગુજરાતમાં પણ થઇ રહ્યું છે. ઘણાં સમયથી બન્ને દેશો વચ્ચે તંગદિલી વધી રહી છે અને દેશના નાગરિકોમાં રોષ છે ત્યારે ભાજપની ભગિની સંસ્થાઓ ચીનનો બહિષ્કાર કરી રહી છે પરંતુ સરકાર ચીનના મૂડીરોકાણ અંગે મૌન છે.
કોરોના સંક્રમણ પહેલાં ગયા વર્ષેના અંતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ગુજરાત સરકાર અને ચાઇના એસોસિયેશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝીઝ (CASME) વચ્ચે ગુજરાતમાં રોકાણોને વ્યાપકપણે પ્રેરિત કરવા અંગેના બે કરાર ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. ચીનની પ્રોડક્ટ્સ બંધ કરવાના નિર્ણયમાં આ કરાર અત્યારે કેટલા અસરકારક છે તે અંગે ગુજરાત સરકાર મૌન છે. અધિકારીઓ કોઇપણ પ્રતિક્રિયા આપવાનું ટાળી રહ્યાં છે.
ધોલેરા સ્પેશયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનની SPV ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમીટેડ અને CASME વચ્ચે થયેલા આ કરાર અંતર્ગત 10,500 કરોડના સંભવિત મૂડીરોકાણ સાથે ધોલેરામાં ચાઇના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આગામી દિવસોમાં શરૂ કરાશે. આ કરાર ઉપર મુખ્યમંત્રીના અગ્રસચિવ એમકે દાસ તેમજ CASME ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ગૃપના વાઇસ પ્રેસિડેન્ટ વૈન્ડોંગ યીને હસ્તાક્ષર કર્યા હતા.
મુખ્યમંત્રીએ આ કરાર સમયે ચાઇનીઝ ડેલિગેશનને ગુજરાતમાં મોટા પાયે આવી રહેલા વિદેશી મૂડીરોકાણ સંદર્ભમાં જણાવ્યું હતું કે 2022 સુધીમાં ચાઇનીઝ ઊદ્યોગકારો પોતાના પ્લાન્ટ-એકમોની જરૂરી પ્રોસેસ પૂર્ણ કરી રાજ્યમાં ઉત્પાદન શરૂ કરી પ્રોત્સાહનોનો લાભ મેળવે તે સમયની માંગ છે. રૂપાણીએ આ કરારને પરિણામે ગુજરાત-ભારત-ચાઇના વચ્ચેના વર્ષોના સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બનશે તેવો વિશ્વાસ કર્યો હતો.
રૂપાણીએ તે સમયે કહ્યું હતું કે ભારત સરકારે ઊદ્યોગોને જે કર રાહતો આપી છે તથા ગુજરાત સરકારે પણ MSME સેકટરમાં સોલાર એનર્જીને પ્રોત્સાહન સહિતની જે સવલતો જાહેર કરી છે તેનો લાભ પણ ચાઇનાના આ ઊદ્યોગોને મળશે. કરાર અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ચીનના CASME ઇન્વેસ્ટમેન્ટ ગૃપ ધોલેરા સર ને મેજર ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે ચાઇનીઝ ઊદ્યોગો માટે પ્રમોટ કરશે. ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લીમીટેડ આ હેતુસર પ્લગ એન્ડ પ્લે માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને ચાઇનીઝ ઊદ્યોગકારોને ઊદ્યોગ શરૂ કરવા માટેની જરૂરી પરવાનગીઓ મેળવવામાં મદદરૂપ થશે.
રૂપાણીએ ચીનની કંપનીઓને આમંત્રણ આપ્યું છે તેમ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકારમાં પણ ગુજરાત સરકારે કરાર કર્યા છે. 2015માં ચીનની કંપનીઓ સાથે ગુજરાતે 22 એમઓયુ કર્યા છે જેમાં 30000 કરોડનું મૂડીરોકાણ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જેમાં ટેક્સટાઇલ પાર્ક, સ્માર્ટ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સ્થાપના કરવાની થતી હતી. આ કરારનું શું થશે તે અંગે ઉદ્યોગો વિભાગના અધિકારીઓએ ચૂપકિદી સાધી લીધી છે.
ભારત અને ગુજરાતમાં બોયકોટ ચાઇના અભિયાન લોકોએ ઉપાડ્યું છે અને વિવિધ શહેરોમાં દેખાવો થઇ રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારે હજી સુધી ચીનના રાજ્યમાં થનારા રોકાણ અંગે મૌન સેવ્યું છે. તાજેતરમાં જ એવા અહેવાલ હતા કે સ્કૂલ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને હજારોની સંખ્યામાં આપવામાં આવેલા આઇપેડ મૂળ ચીનમાં બનેલા છે તેમ છતાં સરકારે તેને પાછા ખેંચ્યા નથી.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.