ગુજરાત નું રાજકારણ હવે એક ભવાઈ મંચ બની ગયું છે અને નેતાઓ રોજ એવા ખેલ કરે છે કે પ્રજા ને તમાશો જોયા વગર છૂટકો નથી ત્યારે રાજ્યસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા આઠ ધારાસભ્યો આજે શનિવારે બપોરે બાર વાગ્યે કમલમ પર વિધિવત્ રીતે ભાજપ માં જોડાઇ ને કેસરીયો ધારણ કરશે. પરંતુ ચર્ચા મુજબ આ આઠમાંથી માત્ર ચારને જ ટિકીટ આપી પેટાચૂંટણી લડાવાય તેવું ગણિત છે ,બાકીના ખાલી ખેસ પહેરી ફરવાનું રહે તેવી વાતો થઈ રહી છે.
કારણકે જાણકારો નું માનવું છે કે આઠમાંથી મોટાભાગના ધારાસભ્યો હવે ફરીથી ચૂંટાય તેવું જણાતું નથી કેમકે તેમનાથી સ્થાનિક મતદારો અને ભાજપના હોદ્દેદારો જ નારાજ છે. આવી ગણતરી ને લઈ તેઓને ટીકિટ આપવા કરતાં તેમને ઘરે બેસાડવા વધુ સારા રહેશે.
ચર્ચાતી વિગતો મુજબ લીંબડી ધારાસભ્ય સોમાભાઇ કોળી પટેલને ટિકિટ આપવા કરતા ભાજપ પોતાના જૂના અને જાણીતા કિરીટસિંહ રાણાને જ ટિકીટ આપશે. આ ઉપરાંત ગઢડા બેઠક પર અનુસૂચિતજાતિ અનામત હોઇ ત્યાં પ્રવીણ મારૂને ટિકીટ આપવાને બદલે ભૂતપૂર્વ મંત્રી અને ગઇ ચૂંટણીના પરાજિત ઉમેદવાર આત્મારામ પરમારને ટિકીટ અપાશે. ગત વિધાનસભા ચૂંટણીમાં સૌથી ઓછી સરસાઇ સાથે વિજેતા થયેલા કપરાડાના જીતુ ચૌધરીને ટીકિટ નહીં મળે તેમ મનાઈ રહ્યું છે.
મોરબી બેઠક પર ભાજપના સ્થાનિક સંગઠન, ભૂતપૂર્વ ધારાસભ્ય અને મતદારો નારાજ હોઇ બ્રિજેશ મેરજાને ટીકિટ આપવાને બદલે ભાજપના પરાજિત કાંતિ અમૃતિયાને જ ટીકિટ અપાશે. આ સાથે ધારી બેઠક પર જો જે વી કાકડિયાને ટીકિટ ન અપાય તો તેમના સ્થાને તેમના પત્ની કોકીલાને ટીકિટ અપાઇ શકે છે. જો કે કાનાફૂસીમાં એવી પણ વાતો ચાલે છે કે ભાજપ પોતાના જૂના જોગી અને ગઇ ચૂંટણીમાં જે વી સામે હારેલા દીલિપ સંઘાણીને પણ મેદાને ઉતારી શકે છે. આ સાથે અમરેલી જિલ્લામાં હાલ માત્ર કોંગ્રેસ પાસે જ તમામ બેઠક હોવાથી અહીં ભાજપ ખાતું ખોલાવી શકે છે. અમરેલી જિલ્લાને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ આપવા ધરખમ વ્યક્તિની જરૂર હોઇ અહીં કાકડિયાના સ્થાને સંઘાણીને ઉજળી તકો છે. આ તરફ ભાજપ અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજાને, કરજણ બેઠક પરથી અક્ષય પટેલને તથા ડાંગ બેઠક પરથી મંગળ ગાવિતને ચૂંટણી લડાવી શકે છે.
આ પેટાચૂંટણીમાંથી વિજેતા બનીને આવતાં ઉમેદવારોમાંથી મંત્રીમંડળમાં સમાવાય તેવાં બેથી ત્રણ ચહેરાને પસંદ કરાશે. જે પૈકી ગઢડા બેઠક પર આત્મારામ પરમાર જીતે તો તેમને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી બનાવાઇ શકે છે. તે પછી દિલીપ સંઘાણીને ટિકીટ અપાય અને જીતે તો તેમને કૃષિમંત્રી પણ બનાવાઇ શકે છે. જો કે મંત્રીમંડળનું વિસ્તરણ પણ વિધાનસભા પેટાચૂંટણી ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ જ કરવામાં આવશે. જેથી ડિસેમ્બરના અંત કે આવતા વર્ષના જાન્યુઆરી પહેલાં ચૂંટણી ની શક્યતા જણાતી નથી આમ કોંગ્રેસ માંથી ભાજપ માં ગયેલા ધારાસભ્યો માટે આ મુજબ નું ગણિત ચર્ચામાં છે.
