ઈરાન સંકટ પર રાહુલ ગાંધીની ચેતવણી: “સરકાર જાગી જાય, નહીં તો કરોડો લોકોને ભોગવવું પડશે”
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતની સંભવિત ઇંધણ કટોકટી અને ઉર્જા સુરક્ષા (Energy Security) બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય વ્યૂહરચના બનાવવામાં નહીં આવે, તો દેશને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.
સંસદમાં હોબાળો અને બોલવાની મનાઈ
ગુરુવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષ દ્વારા ગેસ સિલિન્ડરના ભાવવધારા અને અછતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સદન સ્થગિત થયા બાદ વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. રાહુલ ગાંધીએ દેશના વર્તમાન ઈંધણ સંકટ પર બોલવા માટે પરવાનગી માંગી હતી, પરંતુ તેમને મંજૂરી આપવામાં આવી નહોતી.
આ અંગે રાહુલ ગાંધીએ નિયમોનો હવાલો આપતા કટાક્ષ કર્યો હતો કે, “હવે સંસદના નિયમો બદલાઈ ગયા છે. સદન પોતે પરવાનગી આપવાને બદલે પહેલા મંત્રીને પૂછે છે. આ નવી પ્રક્રિયા લોકશાહી માટે યોગ્ય નથી.”
ભારતની ઉર્જા સુરક્ષા જોખમમાં?
રાહુલ ગાંધીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારત આવનારા સમયમાં ઇંધણની મોટી સમસ્યાનો સામનો કરી શકે છે. તેમના મતે, ભારતની ઉર્જા સુરક્ષા અત્યારે જોખમમાં છે અને તેનું મુખ્ય કારણ સરકારની નબળી વિદેશ નીતિ છે. તેમણે કહ્યું કે જો અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં નહીં આવે, તો કરોડો સામાન્ય નાગરિકોને તેની ભારે કિંમત ચૂકવવી પડશે.
તેમણે વધુમાં ઉમેર્યું, “મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક મોટી મુસીબત આવી રહી છે. સમસ્યા એ છે કે વડાપ્રધાન દેશના વડાપ્રધાન તરીકે જોઈએ તેવું કામ કરી શકતા નથી, તેઓ ક્યાંક ફસાયેલા હોય તેવું લાગે છે.”
વ્યૂહરચના બદલવાની તાતી જરૂરિયાત
રાહુલ ગાંધીના મતે, વર્તમાન આંતરરાષ્ટ્રીય સંઘર્ષ (ઈરાન સંકટ) માત્ર તેલ મળવા કે ન મળવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે વૈશ્વિક વ્યવસ્થામાં આવી રહેલા મોટા ફેરફારનો સંકેત છે. દુનિયા અત્યારે અસ્થિરતાના તબક્કામાંથી પસાર થઈ રહી છે, અને આવા સમયે ભારતે પોતાની જૂની વિચારધારા અને વ્યૂહરચના બદલવી પડશે.
#WATCH | Delhi | Lok Sabha LoP Rahul Gandhi says, “Normally the procedure is that you can ask to talk. So I asked to be allowed to makre a statement about the LPG gas and oil situation in the country…. But a new procedure has started where the Minister will first decide, then I… pic.twitter.com/i8f6oarDKt
— ANI (@ANI) March 12, 2026
સરકારને અપીલ
તેમણે સરકાર અને વડાપ્રધાનને અપીલ કરી છે કે તેઓ રાજનીતિથી ઉપર ઉઠીને આ સંભવિત સંકટ માટે તાત્કાલિક તૈયારીઓ શરૂ કરે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે આ કોઈ રાજકીય નિવેદન નથી, પરંતુ દેશના હિતમાં આપવામાં આવેલી એક ગંભીર ચેતવણી છે. જો ઇંધણના ભાવ વધશે અથવા પુરવઠો ખોરવાશે, તો તેની સીધી અસર મોંઘવારી પર પડશે જે સામાન્ય માણસની કમર તોડી નાખશે.
