રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં આવેલાં ૧૩૦૦૦થી વધુ એમએસએમઇ ઔદ્યોગિક એકમોને રૂ.૧૩૭૦ કરોડની સહાય ઓનલાઈન એટ વન ક્લિકથી આપવામાં આવી છે. જેમાંથી 50 ટકા જેટલાં એકમો સુરતમાં છે. એટલે કે, રાજ્યમાં સૌથી વધુ સબસીડી સુરતના ઉદ્યોગોને છૂટી કરવામાં આવી છે. કુલ ૬૬૧પ MSME યુનિટ્સને રૂ.ર૯૪ કરોડ, ઇન્ટરેસ્ટ એન્ડ કેપિટલ સબસિડી અંતર્ગત ફાળવવામાં આવી છે. જેમાંથી સુરતના ૮૦ ટકા ટેક્સટાઇલ ઉદ્યોગકારોને લાભ થશે. સરકાર દ્વારા વન ક્લિકનો કાર્યક્રમ ઓનલાઈન યોજવામાં આવ્યો હતો. જેમાં ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઈ, ઉપપ્રમુખ દિનેશ નાવડિયા અને તત્કાલીન નિવૃત્ત પ્રમુખ હેતલ મહેતાએ ઓનલાઈન હાજરી આપી હતી.
કેતન દેસાઇએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, એસજીટીપીએ, ફોગવા સહિતનાં સંગઠનોએ જૂની યોજનાની કેપિટલ અને વ્યાજ સબસીડી છૂટી કરવામાં આવે તો સુરતના ઉદ્યોગોને કોવિડ-19ની સ્થિતિમાં રાહત મળી શકે છે. એ માટે મુખ્યમંત્રી રૂપાણી અને ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રજૂઆત કરવામાં આવી હતી. તે સમયે બંને અગ્રણીએ પેન્ડિંગ સબસીડી છૂટી કરવા ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર ગુજરાત પેકેજ જાહેર કર્યું હતું. તેમાં એમએસએમઇ માટે 1370 કરોડ જૂની સબસીડીના ફાળવવાની જાહેરાત પણ કરી હતી. તે મુજબ શુક્રવારે આ સબસીડીની ફાળવણી કરી દેવામાં આવી છે.
દેસાઇએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓએ ચેમ્બરની માંગણી સ્વીકારી લીધી છે. આ નિર્ણયથી સુરતના એમએસએમઇ ઉદ્યોગોને રાજ્યમાં સૌથી વધુ રાહત આપી હોવાથી ચેમ્બર મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઉદ્યોગ અગ્ર સચિવ એમ.કે.દાસ, ઈન્ડસ્ટ્રીઝ કમિશનર રાહુલ ગુપ્તા અને એમએસએમઇ કમિશનર રણજિથકુમાર તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરતના જનરલ મેનેજર લાદાની તથા તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.
જૂની પેન્ડિંગ સબસીડી રિલીઝ થતાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં તરલતા વધશે: કમલવિજય તુલસ્યાન
પાંડેસરા ઇન્ડસ્ટ્રિયલ કો.ઓ. સોસાયટીના પ્રમુખ કમલ વિજય તુલસ્યાને પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, 2 એપ્રિલ-2020ના રોજ પાંડેસરા ઇન્ડસ્ટ્રિયલ કો.ઓ. સોસાયટીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોવિડ-19ની પરિસ્થિતિને લીધે ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે નાણાં સંકટ ઊભું થયું છે તે હળવું કરવા માટે જૂની પોલિસીમાં પેન્ડિંગ સબસીડી રિલીઝ કરવા માંગણી કરવામાં આવી હતી. જે સરકારે સ્વીકારી છે. ઉદ્યોગકારોની માંગણી એવી હતી કે, સબસીડીની જે ફાઇલો મંજૂર થઇ ગઇ છે તેની સબસીડી રિલીઝ કરી દેવામાં આવે તથા જે ફાઇલમાં ક્વેરી છે તેનો ઝડપથી નિકાલ લાવી આવી ફાઇલોની સબસીડી પણ ઉદ્યોગકારોને આપવામાં આવે. જેથી ઉદ્યોગકારોને કરોડોની મશીનરી વસાવવા સામે લિક્વિડિટી મળી શકે.