ગાંધીનગર—ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની વિદાય નિશ્ચિત માનવામાં આવી રહી છે. ગમે તે સમયે કેન્દ્રમાંથી નવા નામની ઘોષણા થઇ શકે છે. હંમેશા વિવાદમાં રહેલા જીતુ વાઘાણીને રૂપાણી કેબિનેટમાં સમાવવા કે નહીં તેનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ પાર્ટી સૂત્રો કહી રહ્યાં છે કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલાય છે.
દેશભરના પાર્ટી સંગઠનમાં ભારે કવાયત પછી પણ હાઇકમાન્ડ ગુજરાતના સંગઠનમાં કમાન બદલી શકી નથી. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સાથે સાથે વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી થવાની છે એટલે તેમના સ્થાને નવા પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરવાની હિલચાલ ચાલી રહી છે. જો કે જીતુ વાઘણીનું જૂથ માને છે કે સ્થાનિક ચૂંટણી પહેલાં જીતુ વાઘાણીને બદલાશે નહીં પરંતુ ટોચના સૂત્રો કહે છે કે સ્થાનિક ચૂંટણી પહેલા નવા પ્રદેશ પ્રમુખ આવી રહ્યાં છે.
જૂનના પહેલા અઠવાડિયામાં ભાજપના નેતૃત્વ દ્વારા દિલ્હી, છત્તીસગઢ અને મણિપુર એકમોના અધ્યક્ષોની નિયુક્તિ પૂર્ણ થયા પછી, ગુજરાત ભાજપમાં એવી સંભાવના વ્યક્ત થઇ રહી હતી કે ગુજરાતમાં પણ પ્રદેશ પ્રમુખને બદલવામાં આવશે. પાર્ટીએ આ અગાઉ ત્રણ નામોની પેનલ પણ બનાવી છે પરંતુ મોવડીમંડળે ઘોષણા કરી નથી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની લીલીઝંડીની રાહ જોઇ રહ્યાં છે.
પાર્ટીના સૂત્રોએ કહ્યું હતું કે 2022માં વિધાનસભાની ચૂંટણી પણ આવતી હોઇ પાર્ટી સમજી વિચારીને નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરશે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મંજૂરી હશે. જો કે હાલની સ્થિતિએ કેન્દ્રીય હાઇકમાન્ડની પ્રથમ પસંદગી હાલના કૃષિમંત્રી આરસી ફળદુ માનવામાં આવે છે. છેલ્લા એક મહિનાથી તેમના નામની ચર્ચાઓ સચિવાલયમાં પણ થઇ રહી છે. એ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પટેલ અને પાર્ટીના સિનિયર લીડર આઇકે જાડેજાનું નામ પણ ચર્ચાઇ રહ્યું હતું. એ સ્પષ્ટ છે કે રૂપાણી સૌરાષ્ટ્રના છે તેથી નવા પ્રમુખ સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોના પણ હોઇ શકે છે.
ગુજરાતમાં હાઇકમાન્ડે જીતુ વાઘણીની નિયુક્તિ ઓગષ્ટ 2016માં કરી હતી, જ્યારે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વાઘાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખનું પદ સંભાળ્યું ત્યારે તેઓ પ્રથમ વખતના ધારાસભ્ય બન્યા હતા. તેમણે ભાવનગર શહેરથી રેકોર્ડ માર્જિન સાથે 2017 ની વિધાનસભાની ચૂંટણી જીતી હતી.
તેમણે ભારતીય રાજકીય યુવા મોરચાના નેતા તરીકે કામ કરીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ પ્રદેશ પાર્ટી પ્રમુખપદ સંભાળતાં પહેલા કેટલાક વર્ષોથી પાર્ટીની મુખ્ય ટીમ સાથે નજીકથી સંકળાયેલા હતા. ગુજરાતમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હતું ત્યારે તેમને પક્ષના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જો કે તેમના સમયમાં તેઓ વિવાદાસ્પદ રહ્યાં છે. તોછડાઇ ભરી વાણીને કારણે તેઓ પાર્ટીમાં અળખામણા બની ચૂક્યાં છે.