ચોમાસુ બેસી ગયું હોવાછતાં હજુ જોઇએ તેવો માહોલ જામ્યો નથી અને ગરમી અને બફારા ના માહોલ વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કેન્દ્ર શાસિત પ્રદેશ, દાદરાનગર હવેલી અને દમણમાં 29 અને 30 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. સાથેજપશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારમાં પણ કેટલાક સ્થળે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આસામ અને મેઘાલયમાં પણ કેટલાક સ્થળે વરસાદ થઈ શકે છે. હવામાન અનુસાર, આગામી 5 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આગાહી અનુસાર, આગામી 29 જૂને નવસારી, ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદ સહિતમાં સામાન્ય વરસાદ પડી શકે છે.જ્યારે 30 જૂનના રોજ અમદાવાદ, આણંદ, મહીસાગર સહિતમાં સામાન્ય વરસાદની આગાહી છે. ગઈકાલથી છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 7 શહેરોમાં મેઘમહેર થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં. 24 કલાકમાં તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સોનગઢ, વ્યારા, ઉચ્છલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થયા ના અહેવાલ છે. જોકે વરસાદી માહોલ હજુ જોઈએ તેવો જામ્યો નથી અને રાજ્ય માં ઘણા જિલ્લાઓ માં હજુ વાવણી પણ થઈ નથી.
