લોકડાઉન બાદ છૂટછાટ મળતાં જ ઘણા યુવાનો નર્મદા નદીમાં(Narmada River) નહાવા માટે અલગ-અલગ વિસ્તારોમાં જતાં હતાં. જેમાં ભરૂચથી નારેશ્વર ગયેલા યુવાનોમાં ત્રણ યુવાનો ન્હાવા જતાં નર્મદા નદીમાં ગરક થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. ભરૂચથી મિત્રો સાથે નારેશ્વર નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલા આયુષ્માન સિંઘ, ઉત્સવ મોદી અને આદિત્ય માન્ગે નામના ત્રણ યુવાનો નદીમાં ડૂબી ગયા હતા. યુવાનો ડૂબી જતા જ સ્થાનિક રહીશોએ નાવડીઓ મારફત તેમની શોધખોળ આરંભી હતી. બનાવના પગલે કરજણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે મોડી સાંજ સુધી યુવાનોનો કોઈ પત્તો લાગ્યો નહતો.
નારેશ્વરમાં રેતીખનન થયું હોવાથી મોટા ખાડા પડી ગયા
નોંધવું રહ્યું કે નારેશ્વર પાસે નર્મદા નદીનું વહેણ છીછરું છે પરંતુ ત્યાં પણ મોટાપાયે રેતીખનન થતું હોવાથી ત્યાં નદીના પટમાં મોટા ખાડાઓ પડી ગયા છે. જ્યાં પાણી ભરાઈ રહેતા ઘણી વખત તેમાં નદીમાં સ્નાન કરવા આવેલા અજાણ્યા લોકોના ભોગ લેવાય છે. અગાઉ શુક્લતીર્થ ખાતે એક યુવાન ડૂબી જતાં રેત ખનનનો વિવાદ ઉભો થયો હતો. નારેશ્વમાં વધુ ત્રણ યુવાનો નર્મદાના જળમાં ડૂબી જતાં નદીના પટમાં થતા બેફામ રેતીખનન સામે ફરી એક વખત વિવાદ ઉભો થયો છે.