અબરાર અહેમદની ખરીદી પર BCCI ની પ્રતિક્રિયા: ‘નિર્ણય ફ્રેન્ચાઇઝીએ લેવાનો છે, અમે કંઈ કરી શકીએ નહીં’
ઈંગ્લેન્ડની ‘ધ હન્ડ્રેડ’ લીગના ઓક્શનમાં સનરાઇઝર્સ લીડ્સ દ્વારા પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને ટીમમાં સામેલ કરવાના નિર્ણયથી દેશભરમાં હોબાળો મચ્યો છે. સન ટીવી નેટવર્કની માલિકી ધરાવતી આ ફ્રેન્ચાઇઝી અત્યારે ભારતીય ચાહકોના રોષનો સામનો કરી રહી છે. આ ગંભીર વિવાદ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ મોટું નિવેદન આપીને બોર્ડનું વલણ સ્પષ્ટ કર્યું છે.
BCCI ના અધિકારક્ષેત્રની બહારનો મામલો
શુક્રવારે બપોરે સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા રાજીવ શુક્લાએ સ્પષ્ટ કર્યું કે આ મામલે બોર્ડ કોઈ દખલગીરી કરી શકે તેમ નથી. તેમણે કહ્યું, “આ બાબતને IPL સાથે કોઈ લેવાદેવા નથી. આ એક વિદેશી લીગ છે અને તે અમારા અધિકારક્ષેત્રમાં આવતી નથી. તેથી અમે આમાં કંઈ કરી શકીએ નહીં. અંતિમ નિર્ણય ફ્રેન્ચાઇઝીએ પોતે જ લેવો પડશે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે વિદેશી લીગમાં ખેલાડીઓની પસંદગી માટે ફ્રેન્ચાઇઝીઓ સ્વતંત્ર છે.
રેકોર્ડ કિંમતે થઈ અબરારની ખરીદી
ગુરુવારે યોજાયેલા ઓક્શનમાં અબરાર અહેમદને સનરાઇઝર્સ લીડ્સે 1,90,000 પાઉન્ડ (આશરે 2.3 કરોડ રૂપિયા) ની મોટી કિંમતે ખરીદ્યો હતો. હરાજી દરમિયાન ટીમની માલિક કાવ્યા મારન અને મુખ્ય કોચ ડેનિયલ વિટોરી હાજર હતા. વિટોરીએ જણાવ્યું હતું કે આદિલ રાશિદ બીજી ટીમમાં ગયા બાદ તેમને એક મિસ્ટ્રી સ્પિનરની જરૂર હતી, જેના કારણે તેમણે અબરાર પર દાવ લગાવ્યો હતો. જોકે, આ નિર્ણય ભારતમાં રાષ્ટ્રીય ભાવનાઓ અને વર્તમાન માહોલને જોતા વિવાદનું કારણ બન્યો છે.
‘શેડો બેન’ ની અફવાઓ પર વિરામ
ઓક્શન પહેલા એવી જોરદાર ચર્ચા હતી કે ભારતીય માલિકીની ટીમો પાકિસ્તાની ખેલાડીઓ પર ‘શેડો બેન’ (અઘોષિત પ્રતિબંધ) રાખશે અને તેમને ટીમમાં નહીં લે. પરંતુ સનરાઇઝર્સે અબરારને ખરીદીને આ અફવાઓનો અંત લાવ્યો છે. આખા ઓક્શનમાં માત્ર બે જ પાકિસ્તાની ખેલાડીઓ વેચાયા છે – અબરાર અહેમદ અને ઉસ્માન તારિક. જોકે, સોશિયલ મીડિયા પર ફેન્સ સતત મેનેજમેન્ટ પાસે માંગ કરી રહ્યા છે કે અબરારને ટીમમાંથી બહાર કરવામાં આવે.
KKR અને મુસ્તફિઝુર રહેમાનનો ભૂતકાળ
આ વર્ષની શરૂઆતમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પણ આવી જ રીતે વિવાદમાં ફસાઈ હતી જ્યારે તેમણે બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં લીધો હતો. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલા બાદ ભારતમાં KKR નો ભારે વિરોધ થયો હતો. એ સમયે BCCI એ દરમિયાનગીરી કરીને KKR ને રહેમાનને ટીમમાંથી બહાર કરવા કહ્યું હતું. જે બાદ બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપ માટે ભારત આવવાનો ઇનકાર કર્યો અને તેની જગ્યાએ સ્કોટલેન્ડની એન્ટ્રી થઈ હતી.

