પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ૨૨મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા, અમરેલીમાં મિલેટ પરિસંવાદ સાથે કાર્યક્રમ
અમરેલી જિલ્લાના સરંભડા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથરના અધ્યક્ષસ્થાને ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામથી વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશના ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૨મો હપ્તો સીધો જમા કરાવ્યો હતો. અમરેલી જિલ્લાના અંદાજે ૧.૫૦ લાખથી વધુ ખેડૂતોને આ આર્થિક સહાયનો સીધો લાભ મળ્યો છે. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળીને સરકારના આ કલ્યાણકારી અભિગમને વધાવ્યો હતો.
મિલેટ અને પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વાસ્થ્ય સુરક્ષાનું માર્ગદર્શન
કાર્યક્રમમાં ખેડૂતોના આર્થિક ઉત્થાનની સાથે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે મિલેટ (જાડા ધાન્ય) પરિસંવાદનું આયોજન પણ કરાયું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી જીગ્નેશ કાનાણીએ બાજરો, જુવાર, રાગી અને કોદરી જેવા ધાન્યોનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, આહારમાં મિલેટનો ઉપયોગ અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો, જેથી ઝેરમુક્ત ખોરાક ઉત્પન્ન કરી શકાય અને નવી પેઢીને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવી શકાય.
પ્રગતિશીલ ખેડૂતની સફળતા અને પ્રાકૃતિક ખેતીના ફાયદા
આ પ્રસંગે નાના આંકડિયાના પ્રગતિશીલ ખેડૂત કેતનભાઈ ખોયાણીએ પોતાની સફળતાની ગાથા રજૂ કરતા જણાવ્યું હતું કે, તેઓ વર્ષ ૨૦૧૯થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમણે ગૌરવ સાથે ઉમેર્યું કે અમરેલીના આંકડિયા ગામનું મરચું આજે અમેરિકા સુધી નિકાસ થાય છે, જે તેના શુદ્ધ અને ગુણવત્તાયુક્ત હોવાનું પ્રમાણ છે. પ્રાકૃતિક ઉત્પાદનોના લેબ ટેસ્ટિંગ બાદ જ તેનું વેચાણ કરવામાં આવે છે. આ ઉદાહરણ દ્વારા તેમણે સાબિત કર્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ આર્થિક દૃષ્ટિએ પણ ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક છે.
મિલેટ પ્રદર્શન અને હવામાન અંગે અગમચેતીની સલાહ
કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા મિલેટમાંથી તૈયાર કરાયેલી વિવિધ વાનગીઓનું પ્રદર્શન યોજાયું હતું, જેણે આકર્ષણ જમાવ્યું હતું. ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને આગામી ૧૮ થી ૨૧ માર્ચ દરમિયાન હવામાનમાં આવનારા સંભવિત પલટા સામે સાવચેત રહેવા અને પાક સુરક્ષા માટે અગમચેતીના પગલાં લેવા સલાહ આપી હતી. આ ઉજવણીમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્રના આ પ્રયાસથી ખેડૂતોમાં નવો ઉત્સાહ અને વૈજ્ઞાનિક ખેતી પ્રત્યે અભિગમ કેળવાયો છે.
