બેરોજગારી ફાટી નીકળતા યુવાનો માં આક્રોશ છે અને મોંઘવારી વધતા સામે ઈન્કમ જરૂરી હોય રોજગાર નો પ્રશ્ન હલ કરવા સરકાર ને યુવાનો હવે સવાલ કરી રહ્યા છે, ગાંધીનગરના નવા સચિવાલય, જૂના સચિવાલય, વિધાનસભા, સેન્ટ્રલ વિસ્ટા અને સત્યાગ્રહ છાવણીમાં બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે જ ગાંધીનગરમાં પ્રવેશતા તમામ રસ્તા પર પણ પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આંદોલનની શક્યતાને લઇને એસઆરપીની બે કંપની પણ બંદોબસ્ત માટે ફાળવવામાં આવી છે. રાજ્યમાં કોરોના સંકટ અને લોકડાઉનના કારણે અટકેલી ભરતી પ્રક્રિયા મામલે ફરી ગાંધીનગરમાં આંદોલનના મંડાણ થયા છે. ત્યારે આજે મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્ર થાય તેવી શક્યતા છે. જેના પગલે સમગ્ર ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બેરોજગાર યુવાનોએ કોરોનાની મહામારીમાં અટકેલી ભરતી પ્રક્રિયાને હાથ ધરવાની માગણી સાથે 6 જુલાઈએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ઊમટી પડવાની જાહેરાત કરતા જ શહેરભરમાં ચાર એસપી સહિત 1500થી વધુ પોલીસ જવાનોને તહેનાત કરી દેવાયા છે. જ્યારે આંદોલનકારીઓ ગાંધીનગર પહોંચે નહિ તે માટે તેમની જિલ્લા સ્તરેથી જ અટકાયત કરાઈ હતી.
બીજી તરફ બેરોજગાર યુવાનોની ગાંધીનગરમાં ઊમટી પડવાની હાકલને પગલે શનિવારે જીપીએસસી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, રાજ્ય પરીક્ષા બોર્ડ સહિતના અધિકારીઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તબક્કાવાર બેઠક યોજીને ભરતી પ્રક્રિયાની સમીક્ષા પણ કરી હતી
આંદોલનકારીઓએ સોમવારે ગાંધીનગર ઊમટી પડવાની જાહેરાત કરી હોવાથી જામનગર, ગઢડા, અમરેલી અને સુરેન્દ્રનગરના આંદોલનકારીઓ ગાંધીનગર પહોંચે નહીં તે માટે રવિવારે સ્થાનિક પોલીસે તેમની અટકાયત કરી બાદ માં છોડી મુક્યા હોવાની વિગતો જાણવા મળી છે આમ હવે બેરોજગાર નો પ્રશ્ન વિકટ બન્યો છે ત્યારે ઘર ચલાવવા માટે મધ્યમ વર્ગીય પરિવાર ચિંતામાં મુકાયો છે.
