રાજ્ય માં શરૂઆત માં સત્તાવાર ચોમાસા કરતા 15 દિવસ વહેલા શરૂ થયેલા વરસાદ બાદ માં ખેંચાઈ જતા ખેડૂતો માં ચિંતા શરૂ થઈ હતી જોકે અષાઢના 16 દિવસમાં જ સરેરાશ સામે સિઝનનો 22.04 ટકા વરસાદ પડી જતા હાલ ખેડૂતો માં થોડી રાહત થઈ છે. છેલ્લા 6 દિવસમાં જ વરસાદમાં 6.24 ટકાનો વધારો થયો છે. ગત 1લી જુલાઇએ સરેરાશ સામે 15.80 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે 6 જુલાઇના રોજ સવારની સ્થિતિએ 22.04 ટકા વરસાદ નોંધાયો છે. અગાઉ વડીલો એવું કહેતા કે સૌ પ્રથમ ચોમાસા માં મુંબઇ માં વરસાદ પહેલા પડે પછી દક્ષિણ ગુજરાતમાં થઈ સૌરાષ્ટ્રમાં વરસાદ પડતો હતો અને આ પેટર્ન ખુબજ વર્ષો સુધી ચાલતી હતી અને વલસાડ જિલ્લા માં તો ચોમાસા ના ચાર મહિના સૂરજદાદા ના દર્શન કરવા પણ દુર્લભ થઈ જતા પણ હવે ઊલટું થવા માંડ્યું છે મુંબઇ અને દક્ષિણ ગુજરાત માં વરસાદ ના કોઈ ઠેકાણા ન હોય અને સૌરાષ્ટ્રમાં વરસાદ પહેલા પડે છે અને બાદ માં તે વિસ્તારમાં વરસાદ પડે છે તેવું છેલ્લા કેટલાક વર્ષો થી બનતું આવ્યું છે.
રાજ્યમાં જળાશયોમાં પાણીના સંગ્રહની સ્થિતિમાં પણ ફરક પડ્યો છે. 1થી 6 જુલાઇ દરમિયાન જ રાજ્યના 205 ડેમોમાં 9000 મિલિયન ક્યુબિક ફૂટ પાણીનો સંગ્રહ વધ્યો છે. જે ટકાવારીમાં 1.58 ટકા જેટલું વધારે થાય છે. ગત 30મી જૂને જળાશયોમાં 39.64 ટકા એટલે કે 2,20,738 મિલિયન ક્યુબીક ફૂટ પાણી હતું જેની સામે 6 જુલાઇની સ્થિતિએ 41.22 ટકા એટલેકે 2,29,517 મિલિયન ક્યુબીક ફૂટ પાણીનો સંગ્રહ છે.
આપને આગળ જણાવી ગયા તેમ રાજ્યમાં અત્યારસુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ પડતો હતો અને સામાન્યરીતે ચોમાસાની શરૂઆત પણ દક્ષિણ ગુજરાતથી થતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પેટર્ન બદલાઇ હોય તેમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. સૂકા પ્રદેશ ગણાતા સૌરાષ્ટ્રમાં સિઝનનો 41.70 ટકા અને કચ્છમાં 33.45 ટકા વરસાદ નોંધાયો છે. જેની સામે દક્ષિણ ગુજરાતમાં માત્ર 13.56 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.12 ટકા અને મધ્ય ગુજરાતમાં 15.58 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં 14 જિલ્લામાં અત્યારસુધીમાં સિઝનનો 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં 24 કલાકમાં જ 19 ઇંચથી વધુ વરસાદ પડતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સિઝનનો 90 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જ્યારે પોરબંદરમાં 71.34 ટકા વરસાદ પડ્યો છે.
રાજ્યના કુલ 251 તાલુકા પૈકી અત્યારસુધીમાં એકપણ તાલુકો એવો નથી કે જ્યાં સિઝનનો વરસાદ પડ્યો ન હોય. 103 તાલુકામાં 5થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે 5 તાલુકામાં તો 20થી 40 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. 50 તાલુકામાં 10થી 20 ઇંચ, 77 તાલુકામાં 2થી 5 ઇંચ અને 16 તાલુકામાં 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે રાજ્યના 205 જળાશયો પૈકી 9 જળાશયો 90 ટકાથી વધુ ભરાતા હાઇ એલર્ટ વોર્નિંગ જારી કરવામાં આવી છે. જ્યારે 80થી 90 ટકા સુધી ભરાયેલા 4 ડેમમાં એલર્ટ અને 70થી 80 ટકા સુધી ભરાયેલા 3 ડેમમાં વોર્નિંગ જારી કરાઇ છે. જોકે, હજુ 189 ડેમ માં 70 ટકાથી ઓછી પાણી ની આવક થઈ છે પણ હજી ચોમાસા ના પ્રારંભ માં જ આ સ્થિતિ છે જે આગામી દિવસો માં પાણીની આવક વધશે. પરંતું વરસાદે પેટર્ન બદલતા હવે દક્ષિણ ગુજરાત ને બદલે સૌરાષ્ટ્ર થી વરસાદ ની શરૂઆત થઈ રહી છે.
