દેશભર કોરોના ની સ્થિતિ અને લોકડાઉન દરમ્યાન સલામતી ના કારણોસર બંધ રહેલા મંદિરો હવે ખોલવામાં આવી રહ્યા છે ત્યારે દેશમાં 64 શક્તિપીઠો પૈકી ના ગુજરાતમાં આવેલા પાવાગઢ ડુંગર સ્થિત બિરાજમાન મા શ્રી કાલિકા માતાજીનું મંદિર 111 દિવસ બંધ રહ્યા બાદ આજથી ભાવિકો માટે મા ના દર્શન કરવા ખુલ્લું મુકાયું છે.
આજે સવારે 6 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી સરકારી ગાઇડલાઇન પ્રમાણે દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને મોઢા પર માસ્ક પહેરીને દર્શન કરી શકશે જેમાં 10 વર્ષથી ઓછી અને 65 વર્ષની ઉપરની ઉમરના લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં નહિ આવે ટ્રસ્ટીઓ એ જણાવ્યું છે. આ તકે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા માઈ ભક્તોને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. પાવાગઢ મંદિરમાં પ્રસાદ અને ભોજન શાળાની સેવા હાલ પુરતી બંધ રાખવામાં આવી છે. માચીથી ડુંગર સુધી રોપવે ઉંડનખટોલા સેવા શરૂ કરવા સંચાલકો દ્વારા તૈયારીઓ પુરી કરી લેવાઇ છે, જે ભક્તોને ઘરે બેઠા માતાજીના દર્શન કરવા હોય તેઓ ઓનલાઇન વેબસાઈટ ઉપરથી માતાજીના દર્શન કરી શકશે.
પાવાગઢ મંદિર આજે ખુલતાની સાથે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ડુંગર ઉપર આજે વરસાદ સાથે વાદળીયો માહોલ હોવાથી હીલ સ્ટેશન જેવો અનુભવ દર્શનાર્થીઓ ને થઈ રહ્યો છે.
પાવાગઢ, હાલોલ સહિત પંચમહાલ જિલ્લાના બાવકા, રતનપુર, કાંકણપુર સહિતના 39 પર્યટન સ્થળો પણ સોમવારથી પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવતા ધીરેધીરે મુલાકાતીઓ આવી રહ્યા છે અને કોરોના ની સ્થિતિ માં સરકારી ગાઇડ લાઇન ને અનુસરવામાં આવી રહી છે.
