પ્રથમ T20માં હાર બાદ ન્યૂઝીલેન્ડને પડ્યો મોટો ફટકો, મેચ વિનર ખેલાડી આખી સિરીઝમાંથી બહાર
ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાલમાં પાંચ મેચોની T20 સિરીઝ રમાઈ રહી છે. જોકે, સિરીઝની શરૂઆત કિવી ટીમ માટે ખૂબ જ ખરાબ રહી છે. પ્રથમ મેચમાં કારમી હારનો સામનો કર્યા બાદ હવે ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો મુખ્ય સ્પિન બોલર અને અનુભવી મેચ વિનર ઈશ સોઢી ઈજાના કારણે આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
પ્રેક્ટિસ સેશન દરમિયાન લાગી ગંભીર ઈજા
ઈશ સોઢીને આ ઈજા 14 માર્ચના રોજ બે ઓવલ ખાતે પ્રેક્ટિસ સેશન દરમિયાન બોલિંગ કરતી વખતે લાગી હતી. ઈજા બાદ તાત્કાલિક તેના અંગૂઠાનું સ્કેન કરાવવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું છે કે તેનો અંગૂઠો ફ્રેક્ચર થયો છે. આ ઈજા ગંભીર હોવાથી તેને મેદાનમાં પરત ફરવા માટે ઓછામાં ઓછા ચાર અઠવાડિયાનો સમય લાગશે. સોઢી પ્રથમ T20 મેચમાં ટીમનો હિસ્સો નહોતો, પરંતુ બાકીની મેચોમાં તેની હાજરી મહત્વની માનવામાં આવતી હતી.
કોચ રોબ વોલ્ટરે શું કહ્યું?
સોઢીની ઈજા અંગે ન્યૂઝીલેન્ડના કોચ રોબ વોલ્ટરે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ઈશ ન્યૂઝીલેન્ડ માટે રમવા માટે હંમેશા ઉત્સાહિત રહે છે. 2026ના T20 વર્લ્ડ કપ બાદ તે પોતાના ઘરેલુ દર્શકો સામે રમવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. T20 ફોર્મેટમાં તેની પાસે બહોળો અનુભવ છે, તેથી બાકીની મેચોમાં ટીમ ચોક્કસપણે તેની ખોટ અનુભવશે.”
ટીમમાં ફેરફાર અને લોકી ફર્ગ્યુસનની એન્ટ્રી
ઈશ સોઢી બહાર થતા હાલ ન્યૂઝીલેન્ડે તેના રિપ્લેસમેન્ટ તરીકે કોઈ નવા નામની જાહેરાત કરી નથી. જોકે, લોકી ફર્ગ્યુસન, જે બીજી અને ત્રીજી મેચ માટે ઉપલબ્ધ રહેવાનો હતો, તે હવે ટીમ સાથે જોડાઈ ગયો છે. શક્ય છે કે 17 માર્ચના રોજ રમાનારી બીજી T20 મેચમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે.
પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાનો દબદબો
માઉન્ટ માઉંગાનુઈ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને એકતરફી મુકાબલામાં 7 વિકેટે હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. સોઢીની ગેરહાજરીમાં હવે મિચેલ સેન્ટનર અને કોલ મેકકોન્ચી પર સ્પિન વિભાગની જવાબદારી રહેશે.

