ઇતિહાસ રચ્યા બાદ સ્મૃતિ મંધાનાનું મોટું નિવેદન: “મેં ક્યારેય રેકોર્ડ્સ વિશે વિચાર્યું નથી, દેશ માટે જીત મહત્વની”
મહિલા T20 એશિયા કપ 2026 માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાનો વિજયી રથ આગળ ધપાવતા હોંગકોંગ ચીન સામેની ગ્રુપ A ની મેચમાં 137 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીતમાં સ્ટાર ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ મુખ્ય નાયિકા તરીકેની ભૂમિકા ભજવી હતી. મંધાનાએ વિસ્ફોટક બેટિંગ કરતા માત્ર ૧૨૪ રનની અવિશ્વસનીય ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના અનેક મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત કરી નાખ્યા છે. તે હવે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર અને ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગઈ છે. આ સપના સમાન સિદ્ધિ મેળવ્યા બાદ સ્મૃતિ મંધાનાએ ખુલાસો કર્યો હતો કે તેને આ રેકોર્ડ્સ વિશે કોઈ ખ્યાલ જ નહોતો.

રેકોર્ડ્સ કરતાં દેશની જીત વિશેષ: સ્મૃતિ મંધાના
મેચ પૂરી થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સ્મૃતિ મંધાનાનો એક વિડિઓ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તેણે પોતાની ઇનિંગ અને આંકડાઓ વિશે દિલ ખોલીને વાત કરી હતી. સ્મૃતિએ જણાવ્યું કે, “સાચું કહું તો મને આ રેકોર્ડ્સ વિશે કોઈ ખ્યાલ જ નહોતો. હું હંમેશા ક્રિઝ પર જઈને રન બનાવવાની મારી જવાબદારી સમજુ છું. હું ક્યારેય એ વિચારતી નથી કે કયો રેકોર્ડ બન્યો કે કયો તૂટ્યો.”
પોતાની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ૩૦ વર્ષીય મંધાનાએ વધુમાં ઉમેર્યું, “દિવસના અંતે તમે તમારા દેશ માટે કેટલી મેચો જીતો છો તે સૌથી વધુ મહત્વ ધરાવે છે. ભવિષ્યમાં જ્યારે તમે પાછળ ફરીને જોશો ત્યારે તમે કેટલા રેકોર્ડ બનાવ્યા તેના કરતાં ટીમને કેટલી જીત અપાવી તે જ યાદ રહેશે. મેં ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦,૦૦૦ રનનો આંકડો પાર કરીશ. અલબત્ત, આ એક મોટી સિદ્ધિ છે, પણ હું હજુ ૩૦ વર્ષની છું અને મારી સામે ઘણી ક્રિકેટ બાકી છે.”
મિતાલી રાજને આપી શ્રદ્ધાંજલિ અને આદર્શ માની
આ ઐતિહાસિક સદી સાથે જ સ્મૃતિ મંધાનાએ ભારતીય મહિલા ક્રિકેટની દિગ્ગજ પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો મહાન રેકોર્ડ તોડી નાખ્યો છે. આ અંગે વાત કરતા સ્મૃતિ ખૂબ જ ભાવુક દેખાઈ હતી. તેણે કહ્યું કે, “અમે બધા મિતાલી દીદીને રમતા જોઈને મોટા થયા છીએ. તેઓ અમારા બધા માટે પ્રેરણાસ્રોત અને આદર્શ રહ્યા છે. તેમની સિદ્ધિઓ સુધી પહોંચવું એ જ પોતાનામાં એક મોટો ગર્વ છે.”
બીજી તરફ, સ્મૃતિ દ્વારા પોતાનો જ રેકોર્ડ તૂટ્યા બાદ પૂર્વ કેપ્ટન મિતાલી રાજે પણ દિલદારી બતાવી હતી. મિતાલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર સ્મૃતિને અભિનંદન આપતા લખ્યું: “ખૂબ ખૂબ અભિનંદન સ્મૃતિ! મેં તને એક નાની યુવાન ખેલાડીમાંથી ભારતની સૌથી શ્રેષ્ઠ અને ભરોસાપાત્ર બેટ્સમેન બનતી જોઈ છે. તને મારો રેકોર્ડ તોડતી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનતી જોવી એ મારા માટે ખરેખર અત્યંત ગર્વની ક્ષણ છે. મને પૂરી આશા છે કે તું આ જ રીતે રનનો પહાડ બનાવતી રહેશે અને નવા સીમાચિહ્નો સ્થાપિત કરતી રહેશે.”

ત્રણેય ફોર્મેટમાં સ્મૃતિ મંધાનાનો દબદબો
હોંગકોંગ ચીન સામેની આ ૧૨૪ રનની ઇનિંગ બાદ સ્મૃતિ મંધાનાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન-ડે અને T20) માં મળીને મહિલા ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. ભારતીય ઓપનર હાલમાં પોતાના કરિયરના શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહી છે. ટી૨૦ એશિયા કપ ૨૦૨૬ ના આગામી રાઉન્ડમાં પણ ભારતને તેની પાસે આવી જ આક્રમક બેટિંગની અપેક્ષા રહેશે.
