સૂર્યકુમાર યાદવે વ્યક્ત કરી ટેસ્ટ ક્રિકેટ રમવાની ઈચ્છા, જણાવ્યું કયા ફોર્મેટમાં છે ‘હાથ સેટ’?
ભારતીય T20I ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ આજે ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં એક મોટું નામ બની ચૂક્યા છે. તાજેતરમાં જ તેમની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ 2026 નો ખિતાબ જીત્યો છે. ભલે સૂર્યા T20 ના બાદશાહ ગણાતા હોય, પરંતુ તેમના દિલમાં હજુ પણ લાલ બોલના ક્રિકેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટ માટે એક ખાસ જગ્યા છે.
ટેસ્ટ ક્રિકેટ રમવા માટે આતુર છે T20I કેપ્ટન
સૂર્યકુમાર યાદવે લાંબા સમયથી વનડે (ODI) અને ટેસ્ટ ક્રિકેટ રમી નથી, પરંતુ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે પોતાની ટેસ્ટ રમવાની ઈચ્છા જાહેર કરી છે. સૂર્યાએ સ્વીકાર્યું કે વનડે તેમનું ફેવરિટ ફોર્મેટ નથી, પરંતુ ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે તેમને વિશેષ પ્રેમ છે. તેમણે કહ્યું કે, “T20 માં મારો હાથ સેટ થઈ ગયો છે, પરંતુ ટેસ્ટ રમવાની તક મળે તો કોણ ના પાડશે?”
રેડ બોલ ક્રિકેટ સાથે છે જૂનો નાતો
PTI સાથેના ખાસ પોડકાસ્ટમાં સૂર્યાએ જણાવ્યું કે તેમની ક્રિકેટ સફર રેડ બોલથી જ શરૂ થઈ હતી. તેમણે કહ્યું, “લોકો મને માત્ર T20 ખેલાડી તરીકે જુએ છે, પણ મેં 10-12 વર્ષ સુધી મુંબઈ માટે રણજી ટ્રોફી અને રેડ બોલ ક્રિકેટ રમી છે. મારી શરૂઆત જ ત્યાંથી થઈ હતી એટલે બધું લાલ બોલની આસપાસ જ હતું. પરંતુ ધીમે ધીમે જ્યારે વ્હાઇટ બોલ ક્રિકેટ શરૂ કર્યું, ત્યારે મારો ઝુકાવ તે તરફ વધ્યો.”
વનડેમાં ન મળી સફળતા, T20 માં જામ્યો રંગ
પોતાના ફોર્મ વિશે વાત કરતા સૂર્યાએ પ્રામાણિકપણે સ્વીકાર્યું કે તેમણે વનડે ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ ત્યાં ધાર્યું પરિણામ મળ્યું નહીં. તેમણે ઉમેર્યું, “તમારા નસીબમાં જે લખ્યું હોય તે જ મળે છે. T20 માં જે રીતે રમત ચાલી રહી હતી, તેમાં મારો હાથ સેટ થઈ ગયો. વનડેમાં કંઈ ખાસ થઈ શક્યું નહીં.”
શું ફરી મળશે ટેસ્ટ ટીમમાં સ્થાન?
સૂર્યકુમાર યાદવે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2023 માં ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમી હતી, જેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ તે જ વર્ષે વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં પણ તેઓ કંઈ ખાસ કરી શક્યા નહોતા, જેને કારણે તેમને ટેસ્ટ અને વનડે ટીમમાંથી બહાર થવું પડ્યું હતું.
સૂર્યાએ કહ્યું, “મેં 2010 થી 2020 સુધી સતત રેડ બોલ ક્રિકેટ રમી છે. 10 વર્ષનો આ સમયગાળો ઘણો લાંબો હોય છે અને મને તે ફોર્મેટથી ઘણો પ્રેમ હતો. જો ભવિષ્યમાં તક મળશે, તો મને ટેસ્ટ રમવું ખૂબ જ ગમશે.”

