ચોમાસાની શરૂઆતમાં અને શ્રાવણના તહેવારોની સાથે બજારમાં મળતાં કેળાં ઉપરથી પીળાં દેખાય છે પરંતુ અંદરથી બેસ્વાદ અને કાચા હોય છે. સામાન્ય રીતે બજારમાં મળતાં કેળાં ઘરે લાવ્યા પછી બીજા કે ત્રીજા દિવસે બગડી જાય છે કારણ કે આ કેળાં કેમિકલથી પકવવામાં આવે છે. નેચરલ કેળાં ઘરમાં સાત થી નવ દિવસ સુધી રહે તો પણ બગડતાં નથી.
કાચા કેળાંને કેમિકલના દ્વાવણમાં ડૂબાડીને સૂકવી દેવામાં આવે છે. રાજ્યમાં ઝેરીલા કેળાંનો કારોબાર 1000 કરોડ રૂપિયાનો છે. ફળ અને શાકભાજીને પકવવા માટે પ્રતિબંધિત ઓક્સિટોસીન, હિટ કુલાન, અનુગોર, રોગોર, મિલકુલાન બ્લૂમ, રેગાપેન તેમજ રનટેક્સનો ઉપયોગ થાય છે.
ભારત સરકારનો કાનૂન હોવા છતાં વેપારીઓ ખુલ્લેઆમ પ્રતિબંધિક કેમિકલ્સ ફળ અને શાકભાજીમાં વાપરી રહ્યાં છે. ગુજરાતમાં વર્ષોથી કેળાંને પકવવા માટે કેમિકલનો ઉપયોગ થઇ રહ્યો છે છતાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવતું નથી. આ વિભાગના અધિકારીઓ માત્ર બગડેલા ફ્રુટનો નિકાલ કરે છે પરંતુ લેબોરેટરીમાં ચેકીંગ કરાવતા નથી.
આપણને 12 કલાકમાં પીળાં થઇ જતાં કેળાં સારા લાગે છે. કેમિકલ યુક્ત ફળો ખાવાથી કેન્સર, મગજના રોગો, ચામડીના રોગ, બ્લડપ્રેશર અને સ્યુગરની બિમારી થાય છે તેવી ચેતવણી છતાં લોકો આરામથી કેળાં ખાય છે. કેરળ રાજ્યમાં મળતાં લવિંગ કેળાં એકમાત્ર ખાવા યોગ્ય હોય છે કારણ કે તે બે થી ત્રણ દિવસમાં આપોઆપ પાકી જાય છે અને અંદરથી ખરાબ નિકળતા નથી.
યાદ રાખવા જેવું છે કે— ફળ કે શાકભાજી ખેડૂત નહીં વેપારીઓ દૂષિત કરી રહ્યાં છે. ગુજરાત એ કેળાના ઉત્પાદનમાં તામિલનાડુ પછી બીજાક્રમે આવે છે. ગુજરાતમાં 4532.49 મેટ્રીક ટન કેળાનું ઉત્પાદન થાય છે તેમ છતાં તેને પકવવાની પદ્ધતિ જોખમી હોવાથી લોકોના આરોગ્ય સાથે જોખમ ઉભું થાય છે તેમ છતાં ફુડ કમિશનરેટ પાસે કર્મચારીઓ અને ઇન્સ્પેક્ટરોની અછત હોવાથી રાજ્યભરમાં કેળાંને પકવવાની પદ્ધતિ અંગે ચેકીંગ થતું નથી.