દેશ માં ભારતીય ચલણ ની નકલી નોટો નો કાળો કારોબાર એટલી હદે વધ્યો છે કે હવેતો બેન્ક ના ભરણા માં પણ ગઠિયા નકલી નોટ પધરાવી રહ્યા છે. અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચ ને શહેરની 14 બેન્કમાંથી 1097 ચલણી નકલી નોટ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે અને અજાણ્યાઓ સામે ગુનો નોંધીને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે. 14 બેન્કોમાં રૂ. 2000ના દરથી લઈ રૂ. 10ના દરની નકલી નોટો જમા થઈ છે. બેન્કોમાં કુલ રૂ. 3.80 લાખની નકલી નોટો જમા થઇ છે.
અમદાવાદની કાલુપુર કો.ઓપરેટિંવ, યશ બેન્ક, IDBI, ICICI, AXIS, HDFC, કોટક મહેન્દ્રા, કોર્પોરેશન, SBI, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, HSBC, DCB અને રિઝર્વ બેન્કમાં 2000ની 112, 500ની 132, 200ની 123, 100ની 584, 50ની 138, 20ની 3, 10ની 4 નોટો અને રદ થયેલી રૂ. 500ની 1 નોટ મળી કુલ 1097 નોટો કિંમત રૂ. 3.80 લાખની બેંકોમાં જમા થઈ છે. આ બધા વચ્ચે સૌથી વધુ ICICI બેન્કમાંથી અલગ અલગ દરની નકલી નોટો મળી છે. બેન્કોમાં નકલી નોટો જમા કરવા અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દર ત્રણ મહિને અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી દે છે પરંતુ આ નકલી નોટો બેન્કમાં કોણ જમા કરાવી ગયું છે તેની આજ સુધીમાં બહાર આવ્યું નથી.આમ આ નેટવર્ક હવે બેંકો સુધી પહોંચી જતા અર્થતંત્ર ને મોટાપાયે નુકશાન થઈ રહ્યું છે જે ખુબજ ચોંકાવનારી વાત છે.
