કોરોના સંક્રમણ દરમ્યાન દર્દીઓને દાખલ થવા માટે એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં દાખલ થવા ભટકવું પડે છે પરંતુ હવે તેનો અંત આવ્યો છે. કઇ હોસ્પિટલમાં બેડ ખાલી છે અને ક્યાં સુવિધા ઉપલબ્ધ છે તે હવે હાથમાં જ ખબર પડી જશે, એટલે કે તેની માહિતી મોબાઇલમાં મળી જશે.
અમદાવાદ મેડિકલ એસોસિએશનની વેબસાઈટ પર ખાનગી હોસ્પિટલના કોરોના બેડ અંગેની મુકવામાં આવી માહિતી છે. આ વેબસાઈટમાં ‘કોવિડ બેડ’ કરીને ઑપ્શન ઉમેરાયું છે. જે મુજબ હવે અમદાવાદમાં કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી દર્દી અને તેના સગાંઓને મળી જશે.
https://ahmedabadmedicalassociation.com નામની વેબસાઈટ પર જઇ લોકો ખાલી બેડની માહિતી મેળવી શકશે. આ વેબસાઇટના કોવિડ બેડ પર ક્લિક કરતા અમદાવાદની કોવિડ હોસ્પિટલ અને તેમાં બેડની સ્થિતિ અંગે માહિતી મળશે. જો કે ગુજરાત હાઇકોર્ટે આપેલા આદેશ પછી અમદાવાદની હોસ્પિટલોએ આ માહિતી અપલોડ કરી છે.
એટલું જ નહીં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી દરરોજ બેડની સ્થિતિ અંગેના ડેટા વેબસાઈટ પર અપલોડ કરાશે. હાલની સ્થિતિમાં અમદાવાદની 55 ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર અપાઇ રહી છે. 55 ખાનગી હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે અને કેટલા ભરેલા તે મુજબ દર્દી સારવાર માટે સરળતાથી જઈ શકે તે હેતુ આ માહિતી આપવામાં આવી છે.