અમદાવાદ અને ગાંધીનગરમાં ધનાઢ્ય પરિવારોએ તેમના મોટા બંગલા વેચવા કાઢ્યાં છે પરંતુ તેમને ખરીદારો મળતાં નથી. આ પરિવારો કોરોના સંક્રમણ દરમ્યાન સખ્ત નાણાંકીય ખેંચનો અનુભવ કરી રહ્યાં છે. શહેરી વિસ્તારમાં મોટા આવાસ છોડી પરિવારો રહેવા માટે નાનું આવાસ પસંદ કરી રહ્યાં છે અને બાકીની મૂડી બચત તરીકે રહેવા દેવા માગે છે.
તેજીના સમયમાં રૂપિયા કમાયેલા પરિવારોએ વિશાળ જમીનમાં બંગલા અને લકઝુરિય સોસાયટીઓમાં બંગલા લીધા હતા. એ સમયે તેઓ બેન્ક લોક ભરી શકવાની ક્ષમતા ધરાવતા હતા પરંતુ લોકડાઉન અને કોરોનાના કેસો વધતાં બિઝનેસ-ધંધા ચોપટ થઇ ગયા છે તેથી આ પરિવારોમાં નાણાંકીય મુશ્કેલી ઉભી થઇ છે. ઘણાં પરિવારો એવાં છે કે તેઓ હોમલોનના હપ્તા ભરી શકે તેમ નથી તેથી તેઓએ મોટા બંગલા વેચવા કાઢ્યા છે.
રિયલ એસ્ટેટનું કામ કરતી એક એજન્સીએ કહ્યું હતું કે અમદાવાદના પોશ વિસ્તાર એવા સીજી રોડ અને એસજી હાઇવે પર અમારી પાસે 42 બંગલા વેચવા માટે આવ્યા છે પરંતુ અમને તેના ખરીદારો મળતાં નથી, કેમ કે બંગલાની કિંમત ખૂબ ઉંચી છે અને લોકો પાસે ખરીદવાના રૂપિયા નથી.
ગાંધીનગરના એક જાણીતા રિયલ એસ્ટેટ બ્રોકર પાસે 330 ચોરસમીટરના 10 અને 250 ચોરસમીટરના પાંચ બંગલા વેચવા માટે આવ્યા છે. છેલ્લા બે મહિનાથી તેના ખરીદારો મળતાં નથી. બંગલાના માલિકે નક્કી કરેલી કિંમતમાં 15 ટકાની છૂટ આપવા છતાં આ બંગલા ખરીદવા માટે કોઇ ગ્રાહક આગળ આવતો નથી. વૈશ્વિક મંદી અને કોરોના સંક્રમણના કારણે રિયલ એસ્ટેટમાં જમીન-મકાનના સોદા અટકી પડ્યાં છે. નાના નાના ફ્લેટનું વેચાણ ચાલુ છે પરંતુ બંગલા માટેની કોઇ ઇન્કવાયરી અમારી પાસે આવતી નથી.
એક એસ્ટેટ બ્રોકરે કહ્યું હતું કે અમારી પાસે ખરીદનારા ગ્રાહકોની સરખામણીએ પહેલીવાર એવું બન્યું છે કે વેચાણમાં મૂકતા માલિકોની સંખ્યા બમણી થઇ છે. આ માલિકોને કારણ પૂછતાં તેમણે કહ્યું હતું કે આર્થિક તંગીના કારણે તેઓ વધારાના રૂપિયાની બચત કરવા માગે છે. એક પરિવારના સદસ્યએ તો કહ્યું હતું કે મારો બંગલો વેચી નાંખો અને જે રૂપિયા આવે તેના મારે ત્રણ ફ્લેટ લેવા છે. બે ફ્લેટ અમે રાખીશું અને ત્રીજો ફ્લેટ ભાડે આપીશું કે જેથી દર મહિને ભાડાની ઇન્કમ આવી શકે.