રોહિત શર્માની ભૂમિકા અંગે મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચનું મોટું નિવેદન, ‘ઈમ્પેક્ટ પ્લેયર’ના રોલ પર તોડી ચુપકીદી
આઈપીએલ 2026ની સીઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 28 માર્ચથી ક્રિકેટના આ મહાકુંભનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ મહેલા જયવર્ધનેએ આગામી સીઝનમાં રોહિત શર્માની ભૂમિકાને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર વિરામ મૂક્યો છે. જયવર્ધનેએ સ્પષ્ટ કર્યું છે કે રોહિત શર્મા આ વખતે કયા રોલમાં જોવા મળશે.
રોહિત શર્મા ‘ઈમ્પેક્ટ પ્લેયર’ તરીકે નહીં રમે: મહેલા જયવર્ધને
મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ મહેલા જયવર્ધનેએ એમઆઈ જુનિયર 2026ના ફાઈનલ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી હતી. રોહિત શર્માના ફિટનેસ અને તેના રોલ વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, રોહિત આ સીઝનમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમે. કોચે કહ્યું કે, “રોહિતે પોતાની જાતને ખૂબ જ સારી રીતે મેનેજ કરી છે અને તે પહેલા કરતા વધુ ફિટ દેખાઈ રહ્યો છે. તે ગયા અઠવાડિયે જ ટીમ સાથે જોડાયો હતો અને નેટ પ્રેક્ટિસમાં શાનદાર લયમાં જોવા મળ્યો છે.”
જયવર્ધનેએ વધુમાં ઉમેર્યું કે, “અમારો પ્રયાસ રોહિતને વધુમાં વધુ સમય મેદાન પર રાખવાનો છે. ટીમ પર તેનો પ્રભાવ હજુ પણ એટલો જ મજબૂત છે. ગયા વર્ષે કેટલીક ઈજાઓને કારણે અમારે તેને સાચવવો પડ્યો હતો, પરંતુ આ વખતે તેવી કોઈ સ્થિતિ નથી. અમે ઈચ્છીએ છીએ કે તે આખી મેચ દરમિયાન મેદાન પર હાજર રહે.”
ટીમ કોમ્બિનેશન અને ઈમ્પેક્ટ પ્લેયરનો પડકાર
ટીમમાં ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ વિશે વાત કરતા કોચે જણાવ્યું કે જ્યારે કોઈ બોલરને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે લાવવાનો હોય, ત્યારે કયા બેટ્સમેનને બહાર બેસાડવો તે મોટો નિર્ણય હોય છે. મુંબઈ ઈન્ડિયન્સ પાસે હાલમાં ઘણા એવા ખેલાડીઓ છે જે ઓલરાઉન્ડર છે. ટીમમાં માત્ર રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ જ એવા ખેલાડીઓ છે જે ઓલરાઉન્ડરની શ્રેણીમાં નથી આવતા. આ સંજોગોમાં રોહિત જેવા સિનિયર ખેલાડીને મેદાનની બહાર રાખવાને બદલે તેને પૂરો સમય રમાડવો એ જ ટીમની પ્રાથમિકતા છે.
સૂર્યાના ફોર્મ અંગે ચિંતા કરવાની જરૂર નથી
ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવના ફોર્મ અંગે પણ જયવર્ધનેએ પ્રતિક્રિયા આપી હતી. છેલ્લા કેટલાક સમયથી સૂર્યાના ફોર્મમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે, પરંતુ કોચે તેના પર પૂરો ભરોસો વ્યક્ત કર્યો છે.
“સૂર્યકુમારના ફોર્મ અંગે અમને કોઈ ચિંતા નથી. તે એક ક્લાસ પ્લેયર છે અને જાણે છે કે ક્યારે રન બનાવવા. તેણે ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતનું જે રીતે નેતૃત્વ કર્યું તે કાબિલે તારીફ હતું. હા, સાતત્ય (Consistency) એક એવી બાબત છે જેના પર તે કામ કરવા ઈચ્છશે, પરંતુ તે મેચ વિનર ખેલાડી છે.”

