તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી અને પછી બંધ થઇ ગયેલી ગ્લોબલ એગ્રીકલ્ચર વાયબ્રન્ટ સમિટ ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. હવે આ સમિટની સાથે એક્ઝિબિશન પણ યોજવામાં આવશે. રાજ્યમાં સાત વર્ષે ફરીથી ખેડૂતોના લાભાર્થે આ સમિટ યોજાઇ રહી છે અને તે દર બે વર્ષે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્યના કૃષિ વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે કૃષિ વિકાસ માટે વહીવટી અને પૂર્વ જરૂરી સુવિધાની યોજનામાં રાજ્યના ખેડૂતોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની એગ્રીકલ્ચર સેક્ટરની શોધ અને નવીન કૃષિ મશીનરીનું માર્ગદર્શન મળી રહે તે તે હેતુથી આંતરરાષ્ટ્રીય કક્ષાનું કૃષિ પ્રદર્શન કમ મેળાનું આયોજન કરવામાં આવશે.
વિભાગે જણાવ્યું છે કે દર બે વર્ષે ગ્લોબલ એગ્રી સમિટ કમ એક્ઝિબિશન યોજવામાં આવશે. ગયા વર્ષની બજેટેડ રકમ આ વર્ષે વાપરવાનું નક્કી થયું છે. એટલે કે આ વર્ષ 2020-21માં તેનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. વિભાગે અત્યારે એક લાખ રૂપિયાની જોગવાઇ કરી છે જેને 31મી માર્ચ 2021 સુધી ચાલુ રાખવામાં આવશે.
ગુજરાતમાં 2021માં વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન મહાત્મા મંદિરમાં કરવામાં આવેલું છે. આ સમિટ દર બે વર્ષે યોજવામાં આવે છે. છેલ્લા વાયબ્રન્ટ સમિટ 2019માં યોજવામાં આવી હતી ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના મહેમાન બન્યાં હતા. રાજ્યમાં મોદી 2015 અને 2017ની સમિટમાં પણ મહેમાન બનીને ગુજરાતમાં આવ્યા હતા.
રાજ્યના કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી 2021માં વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજવાની હોવાથી અમારા વિભાગે ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટ ક્યારે યોજવી તે હજી નક્કી કર્યું નથી. અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં પૃછા કરાવી હતી પરંતુ કોરોના સંક્રમણના સમયમાં આવી કોઇ સમિટ યોજી શકાય તેમ નથી તેવું કહેવામાં આવ્યું છે.
હવે જ્યારે કોરોના સંક્રમણ બંધ થઇ જશે પછી આ સમિટ યોજાય તેવી સંભાવના છે. સામાન્ય રીતે આ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજવામાં આવતી હોય છે. કૃષિ વિભાગે તો તેની તૈયારી રાખી છે પરંતુ જાહેર સમારંભ, મેળા કે સમિટ યોજવા પર પ્રતિબંધ હોવાથી અત્યારે ક્યારે એગ્રી સમિટ યોજાશે તે નિશ્ચિત નથી, આમ છતાં વિભાગે આદેશ બહાર પાડી દીધો છે.