અમદાવાદ શહેરમાં વાહન પાર્કિંગની સમસ્યાનો ઉકેલ મ્યુનિસિપલ કોર્પોરેશનને શોધી કાઢ્યો છે, જેના કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા હળવી બની શકે તેમ છે. શહેરના 18 જેટલા ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રીજની નીચે કોર્પોરેશન પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરીને પદ્ધતિસરનું પાર્કિંગ તેમજ કમાણીનો નવો વિકલ્પ ઉભો કરી રહી છે.
મહાનગરની સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમાં આ પે એન્ડ પાર્કનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે આ બ્રિજની નીચે વાહનચાલકો આડેધડ વાહન પાર્કિંગ કરી રહ્યાં છે તેને કાયદેસરનું કરવામાં આવશે. આ પાર્કિંગમાં 6500 દ્વીચક્રી વાહનો અને 760 જેટલા ફોરવ્હિલર પાર્ક કરી શકાશે. પાર્કિગ સુવિધા ઉભી કરવામાં આવતા બ્રીજની નીચે ઉભા થયેલા ગેરકાયદે દબાણનો પણ પ્રશ્ન હલ થઇ શકશે.
જો કે વાહન પાર્કિંગની સુવિધા આઉટસોર્સિંગથી કરવામાં આવતી હોવાથી કોર્પોરેશનમાં વિપક્ષે તેનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે ખાનગી એજન્સીઓને કમાણીના સાધનો ઉભા કરી આપવામાં આવે છે, કારણ કે પાર્કિંગથી એજન્સીઓ માલામાલ થશે પરંતુ કોર્પોરેશનના હાથમાં કંઇ આવશે નહીં.
અમદાવાદમાં સોલા રેલવે ઓવર બ્રિજ, ગોતા રેલવે ઓવર બ્રિજ, હેલમેટ ઓવર બ્રિજ, આંબેડકર બ્રિજ, રાણીપ રેલવે ઓવર બ્રિજ, ઇન્કમટેક્ષ ફલાય ઓવર, એઇસી ઓવર બ્રિજ, ઠકકરબાપાનગર બ્રિજ, બાપુનગર ફ્લાય ઓવર, સીટીએમ બ્રિજ, ઇસનપુર બ્રિજ, ગુરુજી બ્રિજ ઘોડાસર, સોનીની ચાલી બ્રિજ, હાટકેશ્વર બ્રિજ, જશોદાનગર બ્રિજ અને શિવરંજની ફલાય ઓવર બ્રિજની નીચે પે એન્ડ પાર્કિંગની સુવિધા ઉભી કરવાનું નક્કી કરવામાંઆવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના નહેરૂ બ્રિજને કાંકરિયાની જેમ એક કરોડના ખર્ચે ડેકોરેટિવ બનાવવાનો પણ નિર્ણય લીધો છે, જેમાં પાંચ વર્ષ માટે મેન્ટેનન્સ અને ઓપરેશન ખાનગી કંપનીને આપવામાં આવશે. નહેરૂ બ્રિજ પર લાઇટિંગનું કામ મંજૂર કરી દેવામાં આવ્યું છે.