શું રોહિત શર્મા કે વિરાટ કોહલીનું સ્થાન કોઈ લઈ શકે? રિયાન પરાગે સંજુ સેમસનની વિદાય પર મૌન તોડ્યું

3 Min Read

‘શું રોહિત કે કોહલીની જગ્યા કોઈ લઈ શકે?’ સંજુ સેમસનના ગયા બાદ રિયાન પરાગે કહી મોટી વાત, જણાવ્યું RRનું ફ્યુચર પ્લાનિંગ

રાજસ્થાન રોયલ્સના ફેન્સ માટે આ સીઝન ભાવનાત્મક રીતે ઘણી અલગ રહેવાની છે, કારણ કે એક દાયકા કરતા વધુ સમય સુધી ફ્રેન્ચાઈઝીનો ચહેરો રહેલા સંજુ સેમસન હવે ટીમનો હિસ્સો નથી. રાજસ્થાન રોયલ્સના નવા કેપ્ટન રિયાન પરાગે ગુરુવારે સંજુ સેમસનના ગયા બાદ ટીમમાં પડેલા ખાલીપા વિશે ખૂલીને વાત કરી હતી. પરાગે સ્વીકાર્યું હતું કે સંજુ જેવા ખેલાડીની જગ્યા લેવી એ કોઈ સામાન્ય કામ નથી.

ઉલ્લેખનીય છે કે, સંજુ સેમસન 11 સીઝન સુધી રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને 2021 થી 2025 સુધી ટીમના કેપ્ટન રહ્યા હતા. જોકે, ગત ડિસેમ્બરમાં થયેલી હરાજી પહેલા એક મોટા ટ્રેડિંગ સોદા હેઠળ તેમને ચેન્નાઈ સુપર કિંગ્સમાં મોકલવામાં આવ્યા હતા, જેના બદલામાં રાજસ્થાનને રવિન્દ્ર જાડેજા અને સેમ કરન મળ્યા છે.

- Advertisement -

sanju12.jpg

સંજુ ભૈયાની જગ્યા લેવી અશક્ય: રિયાન પરાગ

સીઝન પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રિયાન પરાગે સંજુ સેમસનને ‘અતુલનીય’ ગણાવ્યા હતા. પરાગે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજો સાથે સંજુની સરખામણી કરતા કહ્યું કે, “અમે ક્યારેય સંજુ સેમસનની જગ્યા લેવા વિશે વિચાર્યું પણ નથી. શું તમે રોહિત શર્મા કે વિરાટ કોહલીની જગ્યા લઈ શકો? ના. એવી જ રીતે સંજુ ભૈયાની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી.”

- Advertisement -

તેણે વધુમાં ઉમેર્યું કે, “અમે તેમના જેવી સ્કીલ ધરાવતા કોઈ અન્ય ખેલાડીને અજમાવી શકીએ છીએ અથવા અન્ય કોઈને તેમના સ્થાને બેટિંગ કરવા કહી શકીએ છીએ, પરંતુ તેમની ખોટ પૂરી કરવી અશક્ય છે. આ વર્ષે અમારું ધ્યાન વધુ સારી યોજના બનાવવા અને મેચોને ફિનિશ કરવા પર છે, જે અમે ગત સીઝનમાં કરી શક્યા નહોતા.”

રવિન્દ્ર જાડેજાની વાપસીથી ટીમ મજબૂત

રિયાન પરાગે ટીમમાં રવિન્દ્ર જાડેજાની વાપસીનો પણ ઉલ્લેખ કર્યો હતો. જાડેજા 2008 અને 2009માં રાજસ્થાન રોયલ્સનો હિસ્સો હતા અને હવે ફરી તે જ ટીમમાં પરત ફર્યા છે. પરાગે જણાવ્યું કે, “અમારી પાસે સ્પિન અને ફાસ્ટ બોલરોનું શાનદાર મિશ્રણ છે. સાથે જ બેટિંગ લાઇનઅપમાં જમણેરી અને ડાબેરી બેટ્સમેનો વચ્ચે સારું સંતુલન જાળવ્યું છે. અમને રવિન્દ્ર જાડેજા પાસેથી ઘણી અપેક્ષાઓ છે; તે એક શાનદાર ઓલરાઉન્ડર છે.”

sanju1.jpg

- Advertisement -

હરીફ બનીને ટકરાશે જૂના સાથીઓ

રાજસ્થાન રોયલ્સ 30 માર્ચના રોજ ગુવાહાટીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પોતાની પ્રથમ મેચ રમીને અભિયાનની શરૂઆત કરશે. આ મેચમાં એક રસપ્રદ નજારો જોવા મળશે, કારણ કે સંજુ સેમસન તેની જૂની ફ્રેન્ચાઈઝી સામે રમશે અને રવિન્દ્ર જાડેજા પણ પોતાની જૂની ટીમ સામે મેદાનમાં ઉતરશે. નવા કેપ્ટન રિયાન પરાગ માટે આ સીઝન પોતાની કેપ્ટનશીપ સાબિત કરવાની મોટી તક છે.

TAGGED:
Share This Article