ગુજરાતમાં અત્યારે કિનારે આવી ચૂકેલી કોંગ્રેસને તારણહારની જરૂર છે. કોંગ્રેસને પણ નવા મોદીની તલાશ છે. ચૂંટણીઓમાં સતત હાર અને ધારાસભ્યો ગુમાવવાની બેવકુફી કોંગ્રેસને ભારે પડી રહી છે. પાર્ટી હાઇકમાન્ડે હવે ગુજરાતનો ઇસ્યુ હાથ પર લીધો છે, કારણ કે મોવડીઓ જાણે છે કે દિલ્હીની ગાદી જોઇએ તો પહેલાં ગુજરાત સર કરવું પડે.
ગુજરાત કોંગ્રેસમાં જે છ નેતાઓની ટોળકી છે તેમને આખું ગુજરાત ઓળખતું નથી અને ઓળખશે પણ નહીં. 2022 સુધીમાં જો કોંગ્રેસને મજબૂત કરવી હોય તો પાર્ટીએ માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરી જેવા નેતા પેદા કરવા પડશે. તેમના જેવું જોમ, અને ઉત્સાહ અત્યારે કોંગ્રેસના યુવા નેતાઓમાં મરી પરવાર્યો છે.
કોંગ્રેસ પાસે ફાયરબ્રાન્ડ નેતાઓ નહીં હોય તો કોંગ્રેસનો 2022માં પણ ઉદ્ધાર થવાનો નથી, કારણ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની બરોબરી કરી શકે તેવો એકપણ નેતા પ્રદેશ કોંગ્રેસ પાસે નથી. સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને બિનહરીફ બેઠકો મળી રહી છે, કારણ કે કોંગ્રેસ પાસે પુરતા ઉમેદવારો નથી. વિજેતા થયેલા કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઇ રહ્યાં છે.
હજી પણ કોંગ્રેસમાં ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારોની તલાશ ભાજપ કરી રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાત કોંગ્રેસમાં મુખ્યમંત્રીનો ઉમેદવાર બની શકે તેવો મજબૂત ફાયરબ્રાન્ડ નેતા જોઇએ છે. કોંગ્રેસે બીજા શંકરસિંહ વાઘેલા તલાશ કરવાની જરૂર છે કે જે 2022માં કોંગ્રેસને સત્તામાં લાવી શકે. બાકી તો ઘરના ઝઘડા ચાલુ રહ્યાં અને નેતાઓ સાચવી નહીં શકે તો ગુજરાતમાંથી કોંગ્રેસની ફરી એકવાર એક્ઝિટ નિશ્ચિત છે.
શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં તક જોઇને બળવો કર્યો હતો પરંતુ હવે તેમને પાછા લઇને તેમને છૂટો દોર આપીને કોંગ્રેસને મજબૂત કરવાના કામમાં પાર્ટીએ લાગી જવું પડશે, કારણ કે 25 વર્ષથી ભાજપના એકચક્રી શાસનથી લોકો કંટાળ્યા છે પરંતુ કોંગ્રેસને લોકો હજી એટલી જ નફરત કરે છે. જો કોંગ્રેસ અત્યારથી 2022ની ચૂંટણીની તૈયારી શરૂ નહીં કરે તો ગુજરાતમાં કોઇ ત્રીજી શક્તિ એટલે કે ત્રીજી પાર્ટી વિપક્ષનું સ્થાન લઇ લેશે.