ફિલ્મો અને ટીવી સિરિયલો જોઈને તેની સમાજ ઉપર કેટલી ઘાતક અસરો પડતી હોય છે તેનું જીવંત ઉદાહરણ ગાંધીનગર માં જોવા મળ્યું કે જ્યાં ક્રાઇમ પેટ્રોલ અને CID જેવી સિરિયલ જોઈને તેમાંથી આઈડિયા લઈને પત્નીએ પોતાના પતિને છેતરી ને તેની હત્યા કરી નાખી હતી અને કોઈ અઠંગ ક્રિમિનલ ની જેમ પુરાવા નાશ કરવાનો પ્રયત્ન પણ કર્યા હતા જે જોઈ પોલીસ પણ ચક્કર ખાઈ ગઇ હતી પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી લઈ આ મર્ડર કેસ માં વધુ તપાસ શરૂ કરી છે.
પોતાની પત્ની વારંવાર પિયર જતી રહેતી હોવાથી પતિ તેને પિયર વારે ઘડીએ ન જવા જણાવતો હોવાથી ઘરમાં કંકાસ ચાલતો હતો પરંતુ નાની મોટી બાબત ઘરમાં જ શાંત થઈ જતી હતી. પરંતુ તા.14મી જુલાઈની રાતે ઉમિયાએ પોતાના પતિ વાકજીને કાયમ માટે પતાવી દેવાનું મનોમન નક્કી કરી લીધું હોય તેમ પોતાના પતિ ને તે રાતે કહ્યું કે, આપણી વચ્ચે ઝઘડો થાય છે અને ઘરમાં આર્થિક સમસ્યા પણ છે. હું તમારા માટે ભભૂત લાવી છું. આ ખાઈ લો બધી બાબત શાંત થઈ જશે તેમ જણાવી ભભૂત ને બદલે ઉંદર મારવાની દવા આપતા ભોળો પતિ પોતાની પત્ની ઉપર ભરોસો રાખી તે દવા નો ફાકડો મારી ગયો હતો જોકે,દવા આપ્યા બાદ પણ પતિને ભૂભતના નામે પત્નીએ આપેલા ઝેરની 2 કલાક સુધી કોઈ અસર થઈ ન હતી. જેથી પત્નીને ચિંતા વધી કે જો પતિને ખબર પડશે તો શું થશે? જેથી તેણે રોજ ક્રાઈમની ઘટનાઓની ટીવી સિરિયલ જોતી હતી તેના આધારે તેણે બીજી ઇમોશનલ ગેમ રમી પોતાના પતિ સાથે પ્રેમભરી વાતો કરવા લાગી હતી. અને આંખે પાટા બાંધીને રમત રમીએ તેમ જણાવતા વાકજી તૈયાર થઈ ગયો હતો
થોડીવાર બાદ તેણે પતિની આંખો પર પાટા બાંધીને એક રમત રમવા માટે કહ્યું હતું. થોડીવાર પ્રેમભરી વાતો કરતી ઉમિયાએ તેના પતિને બીજી વાતે ચડાવીને એક તિક્ષ્ણ ચાકુ તેના પતિના પેટમાં માર્યું અને ઉપરાઉપરી ઘા કરવા લાગી હતી. જેથી તેના પતિના આંતરડા પેટ બહાર આવી ગયા હતા અને તે તરફડીયા મારતો ઢળી પડ્યો હતો.
પતિના મોત બાદ તેણે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ હથિયારને પાણીથી ધોઈ નાખ્યું હતું. પછી ઉમિયાએ તેના પિતાને ફોન કર્યો અને તેના પતિની તબિયત સારી નથી તેમ જણાવ્યું હતું. થોડીવાર બાદ પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને વાકજી લોહીના ખાબોચિયામાં લથપથ પડ્યો હતો. પોલીસે ઉમિયાને પૂછ્યું હતું પણ જવાબ આપતી ન હતી. પરંતુ આખરે પોલીસે કરેલી કડક પૂછપરછમાં ઉમિયા ભાંગી પડી હતી અને પોતાના પતિની તેણે જ હત્યા કરી હોવાની કબુલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તેની ધરપકડ કરી લીધી હતી.
ટીવી સિરિયલ અને ફિલ્મો ના પ્રભાવ હેઠળ કેવા કેવા બનાવો બને છે તે વાત બહાર આવી હતી. જે ઘરમાં ખૂની ખેલ ખેલાયો તે ઘરમાં આવ્યા ને આ દંપતીને હજુ 10 દિવસ જ થયા હોવાની હકીકત સામે આવી હતી, આ ઘટના ને પગલે અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી.
