દેશમાં સોમવારે એક જ દિવસમાં 40,000થી વધુ કોરોના કેસ નોંધાયા હોવાનો વિક્રમી આંકડો સામે આવ્યો હતો અને તેના કારણે ભારતના કોવિડ-૧૯ના કેસોનો આંકડો આજે ૧૧ લાખને પાર ગયો હતો, જ્યારે સાજા થયેલા કુલ દર્દીઓનો આંકડો સાત લાખને વટાવી ગયો હોવાનું આરોગ્ય મંત્રાલયના આંકડાઓ જણાવે છે.
એક દિવસમાં ૬૮૧નાં મોત સાથે કોરોનાવાયરસથી કુલ મૃત્યુઆંક દેશમાં ૨૭૪૯૭ થયો છે. સોમવારે સવારે ૮ વાગ્યે અપડેટ કરવામાં આવેલા નવા આંકડાઓ મુજબ કોવિડ-૧૯ના કેસોએ એક દિવસમાં ૪૦૪૨પનો ઉછાળો માર્યો છે અને દેશમાં આના કેસોની કુલ સંખ્યા ૧૧,૧૮,૦૪૩ થયો છે. ભારતમાં કોરોનાવાયરસના ચેપના કેસોએ ૧૦ લાખનો આંકડો વટાવ્યો તેના માત્ર ત્રણ જ દિવસમાં આ કેસોએ હવે ૧૧ લાખનો આંકડો વટાવી દીધો છે. અને આ પ્રથમ વખત બન્યું છે કે દેશમાં એક દિવસમાં ૪૦૦૦૦ કરતા વધુ નવા કેસો નોંધાયા હોય. દેશમાં અત્યારે ૩૯૦૪પ૯ એક્ટિવ કેસો છે, જ્યારે ૭૦૦૦૮૬ લોકો સાજા થયા છે અને એક દર્દી વિદેશ જતો રહ્યો હતો. દેશમાં દર્દીઓના સાજા થવાનો આંકડો ૬૨.૬૨ ટકા છે.
દેશમાં સોમવારે કોવિડ-૧૯ના ૨૨૬૬૪ જેટલા દર્દીઓ અગાઉના ૨૪ કલાકમાં સાજા થયા હતા અને સાજા થયેલા દર્દીઓને બાદ કરતા દેશમાં ૩૯૦૦૦૦ કરતા વધુ કેસો એક્ટિવ છે અને દેશની હોસ્પિટલો અને હોમ આઇસોલેશનમાં જે એક્ટિવ કેસો છે તેમના પર તબીબી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ગત 24 કલાકમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા છે જેના લીધે દેશમાં કોરોના 40 હજારને વટાવી ગચો. મહારાષ્ટ્રમાં લગભગ 10 હજાર અને તમિલનાડુમાં 5 હજારની આસપાસ કેસો નોંધાયા છે અત્યાર સુધીનાં એક રાજ્યમાં નોંધાયેલ સૌથી વધુ કેસો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ 3 લાખ કેસો નોંધાઈ ચૂક્યા છે જ્યારે 1 લાખ 70 હજારની આસપાસ લોકો રિકવર થયા છે. મહારાષ્ટ્રમાં કુલ 11854 લોકોના મોત થયા છે અને ગત 24 કલાકમાં સૌથી વધુ 258 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં પુણે શહેરમાં કોરોના કેસોની સંખ્યાની વાત કરીએ તો સોમવારે પુણેમાં કોરોનાનાં કેસો 37 હજારને પાર થઈ હતી. ગત 24 કલાકમાં પુણેમાં 1508 કેસો સામે આવ્યા છે. અત્યાર સુધી પુણેમાં કોરોનાનાં લીધે કુલ 976 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યુ છે. જેમાં ગત 24 કલાકમાં 41 લોકોના મોત થયા છે.
ગત 24 કલાકમાં સૌથી વધુ તમિલનાડુમાં 78 મોત, કર્ણાટકમાં 91, આંધ્રપ્રદેશમાં 56, યુપીમાં 38, પશ્રિમ બંગાલમાં 36, દિલ્હીમાં 31 અને ગુજરાતમાં 20 લોકોના મોત થયા છે. જ્યારે એક દિવસમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 9518 કેસો, તમિલનાડુમાં 4979, દિલ્હીમાં 1211, કર્ણાટકમાં 4120, આંધ્રપ્રદેશમાં 5041, ઉત્તર પ્રદેશમાં 2211, ગુજરાતમાં 965, તેલંગાનામાં 1296, પશ્રિમ બંગાલમાં 2278, રાજસ્થાનમાં 934, બિહારમાં 1433, આસામમાં 1081, મધ્ય પ્રદેશમાં 837, ઓડિશામાં 736, કેરેલામાં 821, જમ્મુ-કાશ્મીરમાં 701 કેસો નોંધાયા છે. દેશમાં હાલ કોરોનાની મહામારીમાં જેવી રીતે દિનપ્રતિદિન હજારોની સંખ્યામાં કેસો નોંધાઈ રહ્યા છે તેને જોઈને લાગી રહ્યુ છે કે હવે થોડોક દિવસોની અંદર દેશમાં 50 હજાર અને લાખની ગણતરીમાં કેસો સામે આવશે.