સૌરાષ્ટ્રમાં દ્વારકા ના ખંભાળિયાના ધરમપુર પાસે આવેલ ભાભુંડાની ધાર નજીક પથ્થરની બંધ ખાણના ખાડામાં ગતરોજ વહેલી સવારે સગા બે ભાઇ સહિત ચાર વ્યક્તિના ડુબી જવાની ઘટના બનતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર સાથે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
ગતરોજ શનિવારે વહેલી સવારે ધરમપુરમાં રહેતા બે સગા ભાઇ સહિત ત્રણ ભત્રીજા વરસાદી પાણી થી ભરેલા ખાડા માં નહાવા પડ્યા હતા જેઓને ડુબવા થી બચાવવા પડેલ મોટા બાપા પણ ડૂબતા ચારેયના ડુબી જવાથી કરૂણ મોત થયા હતા,ઘટના અંગેની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહો બહાર કાઢી પીએમઅર્થે મોકલી આપ્યા હતાં.
વિગતો મુજબ નકુમ ગિરીશ મુકેશભાઇ (ઉ.વ.16) અને નકુમ જયદીપ મુકેશભાઇ (ઉ.વ.19) જે બન્ને સગાભાઇ તેમજ નકુમ રાજ કિશોરભાઇ (ઉ.વ.15) શનિવારે વહેલી સવારે ધરપુર પાસે આવેલ ભાભુંડાની ધાર નજીક વરસાદી પાણીથી ભરેલ બંધ પથ્થરની ખાણમાં નહાવા પડ્યા હતા પરંતુ ઉંડા પાણીમાં ડુબવા લાગ્યા હતાં. તેમના મોટાબાપા નકુમ ભાણજીભા મનજીભાઇ (ઉ.વ.55) બચાવવા પડ્યા હતાં. જે ત્રણેય ભત્રીજાને પાણીમાંથી બચાવે તે પૂર્વે પોતે પણ ડૂબી જતાં ચારેય ના પાણીમાં ડુબી જતા મોત થયા હતા. આ ઘટના એ ભારે ચકચાર જગાવી હતી.
