વિશ્વબજારમાં સોનાના ભાવ વધી ઔંશના ઉચામાં 1950 ડોલર નજીક પહોંચી જતાં ઘરઆંગણે વધેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે તેજીનીઆગ ભભુકતી રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના 10 ગ્રામના ભાવ વધુ રૂ.1300 ઉછળી 99.50ના રૂ.54100 તથા 99.90ના રૂ.54300ની નવી ઉંચી ટોચને આંબી ગયા હતા.
સોના સામે આજે ચાંદી પણ ઉછળતાં અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.3000 વધી રૂ.64000 બોલાઈ ગયાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના જે વિતેલા સપ્તાહના અંતે 1900 ડોલર વટાવી 1902 ડોલર રહ્યા હતા તે આજે વધુ ઉંચા જઈ નવી રેકોર્ડ સપાટીને આંબી મોડી સાંજે ભાવ 1943થી 1944 ડોલર બોલાઈ રહ્યાના સમાચાર મળ્યા હતા.
આ પૂર્વે વિશ્વબજારમાં સોનાના ભાવમાં 2011માં 1920થી 1925 ડોલરનો ઓલ ટાઈમ ઉંચો રેકોર્ડ ભાવ જોવા મળ્યો હતો અને આજે બજારે એ સપાટી ઓળંગી નવા ઉંચી સપાટી બતાવતા હવે ભાવ ઝડપથી 2000 ડોલર થઈ જવાની શક્યતા વિશ્વબજારમાં ખેલાડીઓ આજે બતાવી રહ્યા હતા.
વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ આજે ઔંશના વધુ સાત ટકા ઉછળી મોડી સાંજે ભાવ ઔંશના 24 ડોલર વટાવી 24.31થી 24.32 ડોલર બોલાઈ રહ્યા નિર્દેશો મળ્યા હતા.