વધતા જતા કોરોના કહેરની વચ્ચે સરકાર હવે અનલોક-3 તરફ આગળ વધી રહી છે. હાલમાં અનલોક-2ની ગાઇડલાઇન મુજબ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે છૂટછાટ હોવાંથી ગુજરાતીઓ આબુમાં ત્રાટક્યા છે. છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતીઓ આબુ તરફ જતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા હોટલોમાં હાઉસફૂલનાં બોર્ડ લાગી ગયા છે. ઉપરાંત દારૂની દુકાનોમાં પણ ભારે ભીડ ઉમટી છે.
ગુજરાતીઓનું ફરવા માટે સૌથી વધુ પ્રખ્યાત સ્થળ માઉન્ટ આબુ છે. રાજ્યનાં અમદાવાદ સહિતનાં મોટા ભાગનાં જિલ્લાઓમાંથી લોકો પોતાના પરિવાર સાથે આબુ ફરવા જતા હોય છે. હાલમાં રાજ્યમાં જ્યારે દરરોજનાં 1000થી વધુ કેસ સામે આવે છે. એવામાં કુદરતી સૌદર્ય નીહાળવા માટે ગુજરાતીઓ આબુ તરફ વળ્યાં છે. જેનાં કારણે અત્યારમાં આબુમાં ઠેર-ઠેર પ્રવાસીઓની ભીડ જામી રહી છે. દારૂની પાર્ટી કરવા તેમજ બજારોમાં પ્રવાસીઓનો ધસારો થતાં સોશિયલ ડિસ્ટન્સનાં પણ ધજાગરા ઉડી રહ્યાં છે.