બિહારમાં આવેલાં વિનાશકારી પૂરમાં એક હજારથી વધુ ગામ ડૂબી ગયાં હોવાના અહેવાલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બિહાર રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યા મુજબ વધુ ત્રણ વ્યક્તિનાં મોત થયા હોવાની જાણકારી મળી હતી. ત્રણે મોત દરભંગા જિલ્લામાં થયાં હતાં. એ સાથે પૂરમાં માર્યા ગયેલા લોકોનો સત્તાવાર આંકડો 11 પર પહોંચ્યો હતો. બિનસત્તાવાર આંકડા મુજબ આ આંકડો ઘણો મોટો હોઇ શકે. બિહારના બાર જિલ્લાનાં કુલ એક હજાર ગામો પૂરનાં પાણીમાં ડૂબી ગયાં હોવાનો ભય સેવાતો હતો. કેટલાંક સ્થળે રાહત ટુકડીઓ હજુ સુધી પહોંચી નહોતી.
બિહારના ડિઝાસ્ટર મંત્ર્યાલયના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે રાજ્ય સરકારે પૂરગ્રસ્ત 60 હજાર પરિવારોના દરેકના બેંક ખાતામાં છ છ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. ગુરૂવારે વધુ 40 હજાર લોકોના ખાતામાં આ રાહત રકમ જમા કરાવી દેવામાં આવશે. આઠમી ઑગષ્ટ સુધીમાં તમામ પૂરગ્રસ્ત લોકોને રાહતની રકમ પહોંચી જશે. વિપક્ષોએ આ સરકારી દાવાની હાંસી ઊડાવી હતી કે પૂરગ્રસ્ત લોકો બેંકમાં પૈસા લેવા કેવી રીતે પહોંચવાના છે અને જે લોકોએ પોતાનાં ઘરબાર અને ઘરવખરી ગુમાવી છે એમને છ હજાર રૂપિયાથી મળી મળીને કેટલી રાહત મળશે ?