IPL 2026: ‘MS ધોનીએ હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ’ આકાશ ચોપરાએ કેમ આપી આવી સલાહ?
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ક્રિકેટ જગતમાં સૌથી મોટો પ્રશ્ન એ જ ચર્ચાઈ રહ્યો છે કે શું આ ‘થાલા’ એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી સીઝન હશે? વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂકેલા ધોનીના ભવિષ્યને લઈને અટકળો તેજ બની છે. ખાસ કરીને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા ટીમમાં સંજુ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યા બાદ એવા સંકેતો મળી રહ્યા છે કે ધોની હવે ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટને પણ ગુડબાય કહી શકે છે.
‘ઇમ્પેક્ટ પ્લેયર’ તરીકે રમવાનો વિરોધ
IPL 2026 ના પ્રારંભિક મુકાબલા પહેલા એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ધોની કદાચ માત્ર બેટિંગ પર ધ્યાન આપે અને ‘ઇમ્પેક્ટ પ્લેયર’ તરીકે મેદાનમાં ઉતરે, કારણ કે ટીમમાં હવે સેમસન જેવો કુશળ વિકેટકીપર ઉપલબ્ધ છે. જોકે, ભારતના પૂર્વ ઓપનર અને જાણીતા કોમેન્ટેટર આકાશ ચોપરા આ વિચાર સાથે સહમત નથી.
આકાશ ચોપરાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો ધોનીએ માત્ર ‘ઇમ્પેક્ટ પ્લેયર’ તરીકે જ રમવું હોય, તો તેના કરતા નિવૃત્તિ લેવી વધુ યોગ્ય રહેશે. ચોપરાના મતે, ધોનીની સાચી તાકાત ડગઆઉટમાં બેસવામાં નહીં પણ મેદાન પર રહીને રમતને નિયંત્રિત કરવામાં છે. તેમણે JioStar ના કાર્યક્રમમાં કહ્યું કે, “તમે ડગઆઉટમાંથી ટીમ ચલાવી શકતા નથી, આ ફૂટબોલ નથી. ક્રિકેટમાં તમારે મેદાન પર હાજર રહેવું પડે છે.”
ધોનીની સૌથી મોટી તાકાત: રમતની સમજ
આકાશ ચોપરાએ વધુમાં ઉમેર્યું કે ધોની પાસે અન્ય કોઈપણ ખેલાડી કરતા રમતને વધુ સારી રીતે સમજવાની ક્ષમતા છે. તેમનો આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા જ તેમને મહાન બનાવે છે. તેમણે કહ્યું, “હવે તેમની પાસે સંજુ સેમસનના રૂપમાં ઉત્તરાધિકારી તૈયાર છે, જે વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. જો ધોનીની ફિટનેસ કે ઘૂંટણની સમસ્યા નડતી હોય અને તેઓ માત્ર ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા માંગતા હોય, તો મને લાગે છે કે હવે તેમના માટે નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય આવી ગયો છે.”
નવા સુકાની અને ટીમનું ભવિષ્ય
ગઈ સીઝનમાં ધોનીના બેટિંગ ક્રમને લઈને પણ ઘણી ચર્ચાઓ થઈ હતી. ઘૂંટણની ઈજાને કારણે તેઓ આઠમા નંબરે બેટિંગ કરવા આવતા હતા. ચોપરાએ એક સચોટ ઉદાહરણ આપતા સમજાવ્યું કે, “જો તમારે બાળકને ચાલતા શીખવવું હોય તો હાથ પકડવો પડે, પણ જો તેને દોડતા શીખવવું હોય તો હાથ છોડવો પડે.”
તેમના મતે, આ ટીમ હવે ઋતુરાજ ગાયકવાડની છે. ધોનીએ જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે વિરાટ કોહલીને તૈયાર કર્યો હતો, તેવી જ રીતે તેઓ અહીં પણ માર્ગદર્શકની ભૂમિકામાં રહેશે, પણ રમતનું સુકાન હવે યુવા પેઢીના હાથમાં હોવું જોઈએ.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પોતાની IPL 2026ની સફર સોમવાર, 30 માર્ચના રોજ ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે શરૂ કરશે. હવે જોવાનું એ રહેશે કે ધોની મેદાન પર કઈ ભૂમિકામાં જોવા મળે છે.

