નિક્ષય મિત્ર અને લોકભાગીદારીથી મહેસાણાને ટીબી મુક્ત બનાવવા વ્યાપક આરોગ્ય ઝુંબેશ શરૂ
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ દેશમાંથી ક્ષય રોગને જડમૂળથી નાબૂદ કરવાના ઉમદા હેતુ સાથે મહેસાણા જિલ્લામાં એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ‘વિશ્વ ક્ષય દિવસ’ નિમિત્તે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસ્મિન અને મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસીય વિશેષ ઝુંબેશને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી બિરેન પટેલ દ્વારા અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં જાગૃતિ લાવી ‘ટીબી મુક્ત મહેસાણા’ના સંકલ્પને સાકાર કરવાનો છે.
અંતરિયાળ વિસ્તારોમાં આધુનિક નિદાન સુવિધાઓ પહોંચાડવાનું આયોજન
આ ૧૦૦ દિવસીય વિશેષ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ ગામો, વોર્ડ અને શહેરી વિસ્તારોમાં સક્રિય રીતે ટીબીના દર્દીઓની શોધ કરવામાં આવશે. ખાસ કરીને જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં મોબાઇલ મેડિકલ યુનિટ (MMUs) દ્વારા એક્સ-રે (X-Ray) અને નાટ (NAAT) પરીક્ષણ જેવી આધુનિક નિદાન સુવિધાઓ ઘર આંગણે પહોંચાડવામાં આવશે. માત્ર ટીબી જ નહીં, પરંતુ દર્દીઓના બ્લડ પ્રેશર, બીએમઆઈ (BMI) અને બ્લડ સુગરની પણ તપાસ કરવામાં આવશે, જેથી દર્દીના સ્વાસ્થ્યની સંપૂર્ણ વિગતો મળી રહે અને તેને સમયસર સચોટ સારવાર આપી શકાય.
‘નિક્ષય મિત્ર’ અને લોકભાગીદારી દ્વારા દર્દીઓને પોષણ સહાય
ક્ષય રોગ સામેની લડાઈમાં દવાઓની સાથે પૌષ્ટિક આહાર પણ અત્યંત મહત્વનો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને “નિક્ષય મિત્ર” પહેલ હેઠળ દર્દીઓને પોષણ સહાય અને માનસિક આધાર પૂરો પાડવામાં આવશે. આ અભિયાનમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) અને વિવિધ કંપનીઓના સીએસઆર (CSR) ફંડના સહયોગથી લોકભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સમાજના શ્રેષ્ઠીઓ આગળ આવીને ટીબીના દર્દીઓને દત્તક લે અને તેમને જરૂરી રાશન કીટ પૂરી પાડે તેવો અનુરોધ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
સંપૂર્ણ સારવાર અને જનજાગૃતિ દ્વારા ક્ષય મુક્તિનો નિર્ધાર
આ ઝુંબેશ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીની ટીમ સતત કાર્યરત રહેશે, જેથી કોઈ પણ અસરગ્રસ્ત વ્યક્તિ આરોગ્ય સેવાઓથી વંચિત ન રહી જાય. ટીબીના લક્ષણો ધરાવતા વ્યક્તિઓને શોધીને તેમને સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવશે. વહીવટી તંત્રના આ ગંભીર પ્રયાસો અને નાગરિકોના સહયોગથી મહેસાણા જિલ્લો આવનારા સમયમાં ટીબી મુક્ત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓએ પણ ઉપસ્થિત રહીને આ અભિયાનને સફળ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

