વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા HPV રસીકરણ અભિયાન અંતર્ગત ડાંગમાં કિશોરીઓને મફત રસી આપવામાં આવી રહી છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અજમેરથી શરૂ કરાવેલા દેશવ્યાપી HPV રસીકરણ અભિયાનના પગલે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરાયો છે. ડાંગ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ગાઢવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી આ રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ ૧૪ વર્ષની કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) સામે રક્ષણ આપવા માટે રસી આપવામાં આવી રહી છે. ડાંગના ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આ રસી નિઃશુલ્ક ઉપલબ્ધ છે, જે દીકરીઓ માટે ભવિષ્યનું ‘રક્ષક કવચ’ બનશે.
સર્વાઇકલ કેન્સરના ચિંતાજનક આંકડા અને રસીની અનિવાર્યતા
ભારતમાં મહિલાઓમાં થતા કેન્સરમાં સર્વાઇકલ કેન્સર બીજા ક્રમે છે. આંકડા મુજબ, દેશમાં દર ૭ મિનિટે એક મહિલાનું મૃત્યુ આ કેન્સરને કારણે થાય છે. નિષ્ણાત તબીબોના જણાવ્યા મુજબ, મોટાભાગના કેસ બીજા કે ત્રીજા સ્ટેજમાં પકડાય છે, જે જીવલેણ સાબિત થાય છે. આ કેન્સર મુખ્યત્વે HPV 16 અને 18 નામના વાયરસથી થાય છે. જો કિશોરી અવસ્થામાં જ આ રસી આપી દેવામાં આવે, તો ભવિષ્યમાં કેન્સર થવાનું જોખમ ૮૭% થી ૯૦% સુધી ઘટાડી શકાય છે.
અફવાઓથી દૂર રહો: રસી સંપૂર્ણ સુરક્ષિત અને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત
ગર્ભાશયના મુખના કેન્સરની રસી અંગે ફેલાતી અફવાઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ના તબીબોએ પાયાવિહોણી ગણાવી છે. WHO, ICMR અને અમેરિકાની FDA જેવી વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓએ આ રસીને સુરક્ષિત ગણી છે. ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા ૧૦૦થી વધુ દેશોમાં આ રસી વર્ષોથી આપવામાં આવે છે, જ્યાં કેન્સરના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ રસીથી વંધ્યત્વ જેવી કોઈ આડઅસર થતી નથી, તે વાત વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે સાબિત થઈ ચૂકી છે.
રાજ્ય સરકારની મજબૂત તૈયારી અને ડિજિટલ મોનિટરિંગ
ગુજરાત સરકાર અંદાજે ૫.૫૦ લાખ કિશોરીઓને રૂ. ૧૫૦ કરોડના ખર્ચે આ રસી મફત આપી રહી છે, જ્યારે બજારમાં એક ડોઝની કિંમત રૂ. ૩,૦૦૦ જેટલી હોય છે. રસીની ગુણવત્તા જાળવવા માટે કોલ્ડ ચેઈન પોઈન્ટ્સ અને રિયલ-ટાઈમ મોનિટરિંગ માટે TeCHO+ જેવા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરેક કેન્દ્ર પર ડોક્ટરોની ટીમ હાજર રહે છે જેથી દીકરીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. વાલીઓને અપીલ છે કે અફવાઓમાં આવ્યા વગર પોતાની દીકરીને આ સુરક્ષા કવચ અપાવે.

