આર્યમન બિરલા: પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સદી, રાજસ્થાન રોયલ્સનો હિસ્સો અને હવે RCB ના નવા ચેરમેન
IPL 2026 ની શરૂઆત પૂર્વે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) ના માલિકી હક્કમાં મોટો ફેરફાર થયો છે. આદિત્ય બિરલા ગ્રુપના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમે RCB ફ્રેન્ચાઈઝીને 1.78 અબજ ડોલર (આશરે 16,700 કરોડ રૂપિયાથી વધુ) માં ખરીદી લીધી છે. આ સાથે જ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના પુત્ર આર્યમન વિક્રમ બિરલા હવે આ ટીમના નવા ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે. વર્ષ 2008 માં વિજય માલ્યાએ આ ટીમને આશરે 454 કરોડમાં ખરીદી હતી, જેની સરખામણીએ આજે તેની વેલ્યુએશનમાં 1495% નો જંગી વધારો થયો છે.
ક્રિકેટના મેદાનથી કોર્પોરેટ જગત સુધીની સફર
આર્યમન બિરલા માત્ર એક સફળ બિઝનેસમેન જ નથી, પરંતુ તેઓ પોતે એક કુશળ ક્રિકેટર પણ રહી ચૂક્યા છે. તેમને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો અને તેમણે મધ્યપ્રદેશ માટે ઘરેલું ક્રિકેટમાં પ્રતિનિધિત્વ કર્યું છે. વર્ષ 2017 માં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યા બાદ, તેમણે 2018 માં બંગાળ સામે ઈડન ગાર્ડન્સના ઐતિહાસિક મેદાન પર પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી હતી. તેમણે 9 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 414 રન બનાવ્યા છે.
રજત પાટીદાર સાથેનું ખાસ કનેક્શન અને IPL અનુભવ
રસપ્રદ વાત એ છે કે, આર્યમન બિરલા વર્તમાન RCB કેપ્ટન રજત પાટીદાર સાથે અગાઉ રમી ચૂક્યા છે. મધ્યપ્રદેશ માટે રમતી વખતે તેમણે પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ-એ મેચમાં રજત પાટીદાર સાથે જ ઓપનિંગ કર્યું હતું. આ ઉપરાંત, આર્યમન આઈપીએલનો પણ અનુભવ ધરાવે છે. 2018 ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સ (RR) એ તેમને 30 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા. જોકે, તેમને ક્યારેય પ્લેઈંગ ઈલેવનમાં ડેબ્યૂ કરવાની તક મળી ન હતી અને માનસિક સ્વાસ્થ્યના કારણોસર તેમણે ક્રિકેટથી થોડો સમય અંતર જાળવી રાખ્યું હતું.
View this post on Instagram
આદિત્ય બિરલા ગ્રુપમાં નેતૃત્વ અને શિક્ષણ
ક્રિકેટમાંથી બ્રેક લીધા બાદ આર્યમન બિરલાએ ફેમિલી બિઝનેસમાં ઝંપલાવ્યું. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBA (ઓનર્સ) અને ગ્લોબલ ફાયનાન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલમાં તેઓ આદિત્ય બિરલા ગ્રુપમાં ઈ-કોમર્સ, રિટેલ અને સ્ટાર્ટઅપ સેક્ટરમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. હવે ક્રિકેટ પ્રત્યેનો તેમનો લગાવ અને બિઝનેસની આવડત RCB ને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મદદરૂપ સાબિત થશે.
