આર્યમન બિરલાએ કેમ 22 વર્ષની ઉંમરે ક્રિકેટ છોડ્યું? જાણો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમનો રેકોર્ડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) ના નવા ચેરમેન તરીકે આર્યમન બિરલાનું નામ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા 16,700 કરોડ રૂપિયામાં ફ્રેન્ચાઈઝી ખરીદ્યા બાદ આર્યમન હવે આ ટીમની કમાન સંભાળશે. જોકે, ઘણા લોકો એ વાતથી અજાણ છે કે આર્યમન બિરલા પોતે એક પ્રોફેશનલ ક્રિકેટર રહી ચૂક્યા છે. પરંતુ, જે ઉંમરે મોટાભાગના ખેલાડીઓની કારકિર્દી શરૂ થતી હોય છે, તે 22 વર્ષની નાની ઉંમરે જ તેમણે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
માનસિક સ્વાસ્થ્યને કારણે લીધો મોટો નિર્ણય
આર્યમન બિરલાએ વર્ષ 2019 માં ક્રિકેટમાંથી અનિશ્ચિતકાળ માટે બ્રેક લેવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ‘મેન્ટલ હેલ્થ’ એટલે કે માનસિક સ્વાસ્થ્ય હતું. તે સમયે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રમત દરમિયાન ભારે દબાણ અનુભવી રહ્યા હતા અને તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જરૂરી હતી. આ બ્રેક બાદ તેઓ ક્યારેય મેદાન પર પરત ફર્યા નહીં અને ધીરે ધીરે બિઝનેસ જગત તરફ વળી ગયા.
રાજસ્થાન રોયલ્સ ટીમનો રહી ચૂક્યા છે હિસ્સો
RCB ના માલિક બનતા પહેલા આર્યમન આઈપીએલનો અનુભવ ખેલાડી તરીકે પણ લઈ ચૂક્યા છે. વર્ષ 2018 ની આઈપીએલ હરાજીમાં રાજસ્થાન રોયલ્સ (RR) એ તેમને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર ખરીદ્યા હતા. જોકે, બે વર્ષ સુધી ટીમ સાથે જોડાયેલા રહેવા છતાં તેમને પ્લેઈંગ ઈલેવનમાં ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. આ પહેલા તેમણે મધ્યપ્રદેશ માટે સ્થાનિક ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેમણે 2017 માં ઓડિશા સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ અને 2018 માં હૈદરાબાદ સામે લિસ્ટ-એ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
સ્થાનિક ક્રિકેટમાં આર્યમન બિરલાના આંકડા
આર્યમન બિરલાની ક્રિકેટ સફર ટૂંકી રહી હતી. તેમણે મધ્યપ્રદેશ માટે માત્ર 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી, જેમાં તેમણે 27.60 ની સરેરાશથી 414 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે એક સદી અને એક અર્ધસદી પણ ફટકારી હતી. લિસ્ટ-એ ક્રિકેટમાં તેમનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું, જ્યાં 4 મેચમાં તેઓ માત્ર 36 રન જ બનાવી શક્યા હતા. ભલે ખેલાડી તરીકે તેમની સફર અધૂરી રહી હોય, પરંતુ હવે તેઓ એક ચેરમેન તરીકે આઈપીએલની સૌથી લોકપ્રિય ટીમ RCB ને સફળતા અપાવવા માટે તૈયાર છે.

