પૃથ્વી શૉની વાપસી પાછળનું મોટું રહસ્ય, એક વર્ષના બ્રેક બાદ આપ્યું ચોંકાવનારું નિવેદન
આઈપીએલ 2026ની સિઝન શરૂ થાય તે પહેલા દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શૉએ પોતાના કરિયર અને અંગત જીવનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. શૉએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે ભૂતકાળમાં તેનાથી કેટલીક ભૂલો થઈ છે, પરંતુ તે હવે માનસિક રીતે વધુ મજબૂત બનીને મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. ગત સિઝનમાં અનસોલ્ડ રહ્યા બાદ, દિલ્હીએ તેને ફરીથી 75 લાખની બેઝ પ્રાઈસ પર પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
બ્રેકથી માનસિક શાંતિ મળી
પૃથ્વી શૉએ જણાવ્યું કે ક્રિકેટથી મળેલો એક વર્ષનો બ્રેક તેના માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. આ સમય દરમિયાન તેણે ટ્રાવેલિંગ કર્યું અને પોતાના મનને શાંત રાખવાનો પ્રયાસ કર્યો. શૉના મતે, સતત પ્રેક્ટિસ અને ટ્રેનિંગના રૂટિનમાંથી થોડો સમય બહાર નીકળવું જરૂરી હતું. હવે તે પહેલા કરતા ત્રણ ગણી વધુ મહેનત કરી રહ્યો છે અને બેટિંગ પર પૂરતું ધ્યાન આપી રહ્યો છે. આ બ્રેકે તેને મેદાન પર ફરીથી જૂના અંદાજમાં આવવા માટે ઊર્જા પૂરી પાડી છે.
ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
સોશિયલ મીડિયા અને અખબારોમાં થતી તેની ટીકાઓ પર શૉએ ખુલીને વાત કરી છે. તેણે કહ્યું, “હું પણ એક ઇન્સાન છું અને મારાથી પણ ભૂલો થઈ શકે છે. બહાર જે લખાય છે કે બોલાય છે, તે સત્યનો માત્ર અડધો ભાગ હોય છે. જ્યારે હું નાનો હતો ત્યારે આ વાતો મને વિચલિત કરતી હતી, પણ હવે હું પરિસ્થિતિને સમજતા શીખી ગયો છું.” શૉએ વધુમાં ઉમેર્યું કે તેનું પરિવાર અને મિત્રો તેની વાસ્તવિકતા જાણે છે, જે તેના માટે સૌથી મહત્વનું છે.
પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવું રહેશે પડકારજનક
IPL 2026માં દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગ જોડી નક્કી કરવી એ કેપ્ટન અને મેનેજમેન્ટ માટે મોટી મથામણ રહેશે. ટીમ પાસે કેએલ રાહુલ જેવો અનુભવી ઓપનર છે, પરંતુ તેમની સાથે બીજા છેડે કોણ હશે તે મોટો સવાલ છે. પૃથ્વી શૉની સામે અભિષેક પોરેલ અને પથુમ નિસાંકા જેવા ખેલાડીઓનો પડકાર છે. દિલ્હીની ટીમ 1 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે પોતાની પ્રથમ મેચ રમશે, ત્યારે જોવાનું એ રહેશે કે શૉને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે છે કે નહીં.

