PSL પ્રેસ કોન્ફરન્સમાં ડેવિડ વોર્નરનો પારો ચડ્યો: શાહીન આફ્રિદી અને પાકિસ્તાની ખેલાડીઓને જાહેરમાં ખખડાવ્યા
પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026ની શરૂઆત ભલે ધમાકેદાર થવાની હોય, પરંતુ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ મેદાનની બહાર હંગામો મચી ગયો છે. 26 માર્ચથી શરૂ થઈ રહેલી આ લીગ માટે ગતરોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે તમામ ટીમોના કેપ્ટનોની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન કરાચી કિંગ્સના કેપ્ટન ડેવિડ વોર્નર અન્ય ખેલાડીઓની શિસ્તહીનતા જોઈને લાલચોળ થઈ ગયા હતા અને તેમણે લાઈવ કોન્ફરન્સમાં જ ખેલાડીઓને ફટકાર લગાવી હતી.
શું હતો સમગ્ર વિવાદ?
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ડેવિડ વોર્નર મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતા, ત્યારે મંચ પર બેઠેલા અન્ય કેપ્ટનો અને ખેલાડીઓ શિસ્ત જાળવવાને બદલે અંદરોઅંદર વાતો કરવામાં મશગૂલ હતા. પાકિસ્તાની ખેલાડીઓ મોહમ્મદ રિઝવાન, શાહીન શાહ આફ્રિદી, સઉદ શકીલ અને ઓસ્ટ્રેલિયન ખેલાડી માર્નસ લાબુશેન સતત ગપ્પા મારી રહ્યા હતા, જેના કારણે વોર્નરનું ધ્યાન ભટકી રહ્યું હતું.
આ વર્તનથી નારાજ થઈને વોર્નરે અધવચ્ચે જ વાત રોકી દીધી અને કડક શબ્દોમાં પૂછ્યું, “જેન્ટલમેન, આ શું થઈ રહ્યું છે? માફ કરજો, પણ શું અહીં કોઈ સ્કૂલના બાળકો બેઠા છે?” વોર્નરના આ આકરા તેવર જોઈને ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
PSL માં વોર્નરનો શાનદાર રેકોર્ડ
ડેવિડ વોર્નરના પીએસએલ કરિયરની વાત કરીએ તો, તેમણે 2025માં આ લીગમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાના પ્રથમ સીઝનમાં જ તેમણે 11 મેચોમાં 368 રન ફટકારીને પોતાની તાકાત બતાવી હતી. તેમની કેપ્ટન્સી હેઠળ કરાચી કિંગ્સની ટીમ લીગ સ્ટેજમાં ત્રીજા નંબરે રહી હતી, જોકે એલિમિનેટર મેચમાં લાહોર કલંદર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પણ કરાચી કિંગ્સની કમાન વોર્નરના હાથમાં છે અને તેઓ ટીમને ચેમ્પિયન બનાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
“We have some school kids here” 😂
David Warner 😁 pic.twitter.com/PkoWClHHt1
— Mohammad Aizaz (@SeedaBalla93) March 25, 2026
આજથી PSL 2026નો પ્રારંભ
PSL 2026નો વિધિવત પ્રારંભ 26 માર્ચથી થઈ રહ્યો છે. સીઝનની પ્રથમ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં લાહોર કલંદર્સ અને હૈદરાબાદ કિંગ્સમેન વચ્ચે રમાશે. આ વર્ષે હૈદરાબાદની ટીમની કપ્તાની માર્નસ લાબુશેન કરી રહ્યા છે, જ્યારે લાહોરની ટીમ શાહીન આફ્રિદીના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. ક્રિકેટ ચાહકોમાં આ ટુર્નામેન્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
