કચ્છમાં મોબાઈલ પાર્સલ બુકિંગ વાનનો પ્રારંભ, હવે કારીગરોને ઘરઆંગણે મળશે પોસ્ટલ સેવા
કચ્છ જિલ્લાના હસ્તકળા કારીગરો, કલાકારો અને લઘુ ઉદ્યોગકારોને ઘરઆંગણે જ ટપાલ અને લોજિસ્ટિક્સ સેવા ઉપલબ્ધ થાય તે માટે કચ્છ ટપાલ વિભાગ દ્વારા એક અનોખી અને ઉપયોગી પહેલ હાથ ધરવામાં આવી છે. રાજકોટ રીજીયનના માનનીય પોસ્ટમાસ્ટર જનરલ પવનકુમાર દાલમિયાના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ મોબાઈલ પાર્સલ બુકિંગ વાનનો પ્રાયોગિક ધોરણે પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ નવી સેવા દ્વારા સ્થાનિક હસ્તકળા સાથે સંકળાયેલા કારીગરો, કલાકારો અને નાના-મોટા ઉદ્યોગકારોને હવે તેમના ઘર કે કાર્યસ્થળ પરથી જ પાર્સલ બુકિંગ અને પિક-અપ જેવી સુવિધા ઉપલબ્ધ થશે. ટપાલ વિભાગનો મુખ્ય હેતુ એ છે કે સ્થાનિક ઉત્પાદકોને વધુ સરળ અને ઝડપી લોજિસ્ટિક્સ સેવા મળી રહે, જેથી તેઓ પોતાના ઉત્પાદનો દેશના વિવિધ ખૂણાઓ સુધી સરળતાથી પહોંચાડી શકે અને તેમના વ્યવસાયમાં પ્રગતિ મેળવી શકે.
આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત આગામી ચાર દિવસ સુધી એક ખાસ મોબાઈલ પાર્સલ બુકિંગ વાન ભુજથી ધમડકા સુધી દોડાવવામાં આવશે. આ દરમિયાન વાન માધાપર, ભુજોડી, અજરખપુર, મમૂઆરા, ધાણેટી અને ચાંદ્રાણી જેવા ગામોમાં પહોંચીને સ્થાનિક ગ્રાહકોને ઘર બેઠા સેવા આપશે.