કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત સહિતના રાજયોમાં મોંઘા શિક્ષણનો ઉહાપોહ છે. સ્કુલ ફી ઉપરાંત ખાનગી ટયુશન પાછળ ભારતીય પરિવારો વર્ષે 25000 કરોડનો ખર્ચ કરતાં હોવાનું બહાર આવ્યું છે. જો કે જાહેર કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિ પ્રમાણે હવે શાળામાં હવે એવી પધ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે, જેથી બાળકોને ખાનગી ટ્યુશનની જરૂરિયાત ઉભી થશે નહીં
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તથા સંસ્થાના રીપોર્ટમાં બાળકોના ખાનગી ટયુશન પાછળ જ વર્ષે 25000 કરોડનો ખર્ચ થાય છે. આ ખર્ચમાં વિવિધ એન્ટ્રન્સ ટેસ્ટના ખર્ચનો સમાવેશ થતો નથી. શાળા-શિક્ષણ અને સાક્ષરતા મંત્રાલય 59845 કરોડનું બજેટ ધરાવે છે તેની સરખામણીએ ભારતીય પરિવારો 35 ટકા ખર્ચ ખાનગી ટયુશન પાછળ કરે છે. પ્રાયમરી તથા સેકન્ડરી સ્કુલના વિદ્યાર્થીઓના ટયુશન પાછળ 6000 કરોડ તથા હાયર સેકન્ડરી વિદ્યાર્થી પાછળ 5400 કરોડ ખર્ચે છે.
નેશનલ સ્ટેટેસ્ટીકલ ઓફીસ દ્વારા 2017-18ના વર્ષના આધારે સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં એવુ તારણ નીકળ્યું છે કે, હાયર સેકન્ડરી સ્તરે વિદ્યાર્થી દીઠ રૂ 2516 નો ખાનગી ટયુશન પાછળ ખર્ચ થાય છે. આ કક્ષાના 25 ટકાથી વધુ વિદ્યાર્થીઓ ખાનગી ટયુશન લે છે. સેકન્ડરી સ્કુલના વિદ્યાર્થીઓનો ટયુશન ખર્ચ વિદ્યાર્થીદીઠ રૂ1632 થાય છે. 30 ટકાથી વધુ વિદ્યાર્થીઓ ખાનગી ટયુશન લે છે. પ્રિ-પ્રાઈમરી અર્થાત કેજીના વિદ્યાર્થીઓ પણ ખાનગી ટયુશન લ્યે છે તેમાં વિદ્યાર્થી દીઠ ખર્ચ રૂ 300 થાય છે. રીપોર્ટમાં એવો નિર્દેશ કરાયો છે કે સ્કુલ શિક્ષણ પાછળ વાલીઓ દ્વારા અંદાજે 1.9 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવે છે. તેમાંથી 50 ટકા સ્કુલ ફીમાં, 20 ટકા ખર્ચ પાઠયપુસ્તકો પાછળ થાય છે. 13 ટકા ખાનગી ટયુશન પાછળ થાય છે. 5 ટકા અન્ય ખર્ચ થાય છે.