શાહીન આફ્રિદીએ પત્રકાર સાથે કર્યું ગેરવર્તન,સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
પાકિસ્તાન સુપર લીગ (PSL) ની ૧૧મી સીઝન ૨૬ માર્ચથી શરૂ થઈ રહી છે, પરંતુ તેની પૂર્વસંધ્યાએ લાહોરના ઐતિહાસિક ગદ્દાફી સ્ટેડિયમમાં જે બન્યું તેણે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. તમામ ટીમોના કેપ્ટનોની હાજરીમાં યોજાયેલી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં લાહોર કલંદર્સના કેપ્ટન શાહીન શાહ આફ્રિદીએ એક પત્રકાર સાથે ગેરવર્તન કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે અને શાહીનની આકરી ટીકા થઈ રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
PSL શરૂ થવાના એક દિવસ પહેલા ગદ્દાફી સ્ટેડિયમમાં બાબર આઝમ, શાદાબ ખાન અને શાહીન આફ્રિદી જેવા દિગ્ગજ ખેલાડીઓ મીડિયાના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. વાતાવરણ ત્યારે તંગ બન્યું જ્યારે એક પત્રકારે પાકિસ્તાન રાષ્ટ્રીય ટીમની કેપ્ટન્સી અને ખેલાડીઓના ફોર્મ અંગે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું.
પત્રકારે શાદાબ ખાનને પાકિસ્તાનના ભવિષ્યના T20 કેપ્ટન વિશે પૂછ્યું અને બાબર આઝમને તેના નબળા સ્ટ્રાઈક રેટ વિશે સવાલ કર્યો. બાબર અને શાદાબ આ પ્રશ્નોના જવાબ શાંતિથી આપવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ જ્યારે વારો શાહીન આફ્રિદીનો આવ્યો ત્યારે સ્થિતિ વણસી ગઈ.
🚨 Pakistani journalist COOKS Shaheen Shah Afridi and Babar Azam
Bro really woke up and chose violence! 😭
The man openly questioned Babar’s T20 strike rate and asked if he even deserves his spot as a T20 player, then immediately went after Shaheen’s captaincy credentials. 💀 pic.twitter.com/5HrkwdbGYX
— Brutal Truth (@sarkarstix) March 25, 2026
શાહીનનો આકરો મિજાજ
પત્રકારે શાહીનને પૂછ્યું કે, “શું તમારે માત્ર T20I ના કેપ્ટન બનવું જોઈએ, ODI ના નહીં?” આ પ્રશ્ન સાંભળતા જ શાહીનનો પારો ચડી ગયો. શાદાબ ખાન જવાબ આપવા માટે માઈક ખોલી રહ્યો હતો ત્યાં જ શાહીને તેને અટકાવ્યો અને પત્રકાર તરફ આંગળી ચીંધીને અત્યંત ગુસ્સામાં કહ્યું:
“જુઓ, અમે હાલમાં PSL રમી રહ્યા છીએ, તેથી તમારી પાસે જે કંઈ પણ પ્રશ્નો હોય તે માત્ર PSL ના સંદર્ભમાં જ પૂછો. જ્યારે અમે પાકિસ્તાન નેશનલ ટીમ માટે રમીએ છીએ, ત્યારે આ પ્રશ્નો પૂછજો, ત્યારે તમને સારો જવાબ મળશે.”
રિપોર્ટ્સ મુજબ, કેમેરા બંધ થયા બાદ પણ શાહીન અને પત્રકાર વચ્ચે બોલાચાલી ચાલુ રહી હતી અને શાહીને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હોવાનું પણ કહેવાય છે.
સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયા
આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ ફેન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો માને છે કે પત્રકારોએ ટુર્નામેન્ટના સ્તર મુજબ જ પ્રશ્નો પૂછવા જોઈએ, જ્યારે મોટાભાગના ક્રિકેટ પ્રેમીઓનું કહેવું છે કે શાહીન આફ્રિદી જેવા સ્ટાર ખેલાડીએ પોતાનો સંયમ ગુમાવવો જોઈએ નહીં. ખાસ કરીને બાબર આઝમે જે રીતે તેના ટીકાત્મક પ્રશ્નોને ગૌરવપૂર્વક હેન્ડલ કર્યા, તેની સરખામણીમાં શાહીનનું વર્તન અપિરપક્વ જણાયું હતું.
PCB માટે ચિંતાનો વિષય
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અત્યારે આ મામલે મૌન છે, પરંતુ PSL જેવી મોટી બ્રાન્ડની શરૂઆત પહેલા જ કેપ્ટન દ્વારા આવું વર્તન લીગની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. અગાઉ પણ શાહીન તેના આક્રમક સ્વભાવને કારણે ચર્ચામાં રહ્યો છે, પરંતુ મીડિયા સામે આ પ્રકારનું ગેરવર્તન તેની કારકિર્દી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
રમતગમતમાં શિસ્ત અને ખેલદિલી સૌથી મહત્વની છે. શાહીન આફ્રિદી એક શાનદાર બોલર છે, પરંતુ ૨૭ માર્ચ ૨૦૨૬ની આ ઘટના તેના વર્તન પર એક કાળો ડાઘ લગાવી ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે મેદાન પરના પ્રદર્શનથી તે આ વિવાદને ભૂલાવી શકે છે કે નહીં.