ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી સપ્ટેમ્બરના અંત સુધી પાછી ઠેલાય અને ચૂંટણી ક્યારે કરવી તેની સમીક્ષા ઓક્ટોબરમાં કોરોના સંક્રમણના કેસો જોઇને કરાય તેવી સંભાવના છે. પેટા ચૂંટણી માટે ભાજપ સજ્જ છે પરંતુ કોંગ્રેસે આ ચૂંટણીમાં ઇવીએના સ્થાને બેલેટનો ઉપયોગ કરવાની માગણી કરી છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ તેજીથી વધી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો નિર્દેશ છે કે હજી 45 દિવસ સુધી કોરોનાના પોઝિટીવ કેસો વધશે, ત્યારબાદ કેસોમાં ઘટાડો થશે. એટલે કે 45 દિવસ સુધી તો ગુજરાતમાં પેટાચૂંટણી યોજવી શક્ય નથી તેવો અભિપ્રાય આરોગ્ય વિભાગનો હોવાનું કહી શકાય તેમ છે. ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું હતું કે કોરોના સંક્રમણ સમયે ઇવીએમથી ચૂંટણી શક્ય નથી, કારણ કે બટન દબાવવાથી તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નહીં હોવાથી કોરોના સંક્રમણ વધવાનો ખતરો છે.
આરોગ્ય વિભાગના રિપોર્ટ પ્રમાણે કોરોના સંક્રમણ હજી 30મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે. જો લોકો આરોગ્યના માપદંડોનું પાલન નહીં કરે તો કોરોનાના કેસો હજી વધી શકે છે, તેવા સંજોગોમાં એક જ જગ્યાએ વધુ લોકો એકત્ર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પંચના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતની આઠ બેઠકની પેટાચૂંટણી કોઇકાળે સપ્ટેમ્બરમાં યોજવી અશક્ય જણાઇ રહી છે પરંતુ આ અંગેનો નિર્ણય ભારતનું ચૂંટણી પંચ કરશે.
તેમણે કહ્યું હતું કે ચૂંટણી યોજવાની છે કે નહીં તે અંગે હજી અમને ભારતના ચૂંટણી પંચ તરફથી કોઇ આદેશ મળ્યો નહીં હોવાથી અમે એવું માનીએ છીએ કે સપ્ટેમ્બરના અંત સુધીમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પડી શકે તેમ નથી. આ અંગે ઓક્ટોબરમાં જો કેસ ઓછા થશે તો સમીક્ષા કરવામાં આવે તેવા અણસાર છે.
કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કહે છે કે ગુજરાતની પેટાચૂંટણી ગમે તે સમયે યોજાય અમારી પાર્ટી લડવા તૈયાર છે. અમે અબડાસા, લીબડી, કરજણ, ડાંગ, કપરાડા, મોરબી, ગઢડા અને ધારી બેઠકના ઉમેદવારોની કવાયત પૂર્ણ કરી છે. નિરીક્ષકોના અહેવાલ ટૂંકસમયમાં આવી જશે. બીજી તરફ કોંગ્રેસે ગુજરાતમાં પેટાચૂંટણી મોકુફ રખાવવા હાઇકોર્ટમાં અરજી કરેલી છે.
કોંગ્રેસે એવી દહેશત વ્યક્ત કરી છે કે કોરોના સંક્રમણના હાલના સમયમાં જો ચૂંટણી કરવામાં આવે તો મતદારોમાં કોરોના સંક્રમણ વધી જવાની સંભાવના છે. આ ચૂંટણી દરમ્યાન 50 લાખ લોકો બહાર નિકળીને મતદાન કરવા જશે ત્યારે તેમના આરોગ્યને મોટું જોખમ છે. કોંગ્રેસની આ પિટીશનની સુનાવણી 19મી ઓગષ્ટે થવાની છે. કોંગ્રેસે એવું સૂચન મોકલ્યું છે કે પેટાચૂંટણી કરવી પડે તો ઇવીએમથી નહીં પણ બેલેટ પેપરથી થવી જોઇએ કે જેથી કોરોના સંક્રમણ ફેલાય નહીં.