વૈભવ સૂર્યવંશીનો જન્મદિવસ: IPL અને U-19 ક્રિકેટમાં મચાવ્યો તરખાટ, હવે ટીમ ઈન્ડિયાના દ્વાર ખુલશે!
ભારતીય ક્રિકેટના ઉભરતા સિતારા વૈભવ સૂર્યવંશી આજે 27 માર્ચના રોજ પોતાનો 15મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ખૂબ જ નાની ઉંમરે ક્રિકેટના મેદાનમાં અનેક રેકોર્ડ્સ પોતાના નામે કરનાર વૈભવે સાબિત કરી દીધું છે કે પ્રતિભા ઉંમરની મહોતાજ હોતી નથી. ગયા વર્ષે માત્ર 14 વર્ષની વયે IPLમાં ડેબ્યૂ કરીને અને ત્યારબાદ અંડર-19 વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કરીને તેણે પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે.
શું હવે ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી?
વૈભવ અત્યાર સુધી તેની ઉંમરને કારણે સિનિયર ટીમ માટે ક્વોલિફાય થઈ શકતો નહોતો. ICCના 2020ના નિયમ મુજબ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવા માટે ખેલાડીની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ હોવી જોઈએ. આજે વૈભવ 15 વર્ષનો થઈ ગયો છે, જેનો અર્થ છે કે હવે તેના માટે ભારતીય ટીમમાં રમવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને BCCI યુવા ખેલાડીઓને તક આપી શકે છે, જેમાં વૈભવનું નામ મોખરે રહેવાની શક્યતા છે.
IPL 2025માં ફટકારી હતી તોફાની સદી
ગયા વર્ષની IPL સીઝનમાં વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગથી બધાને ચોંકાવી દીધા હતા. તેણે 7 મેચમાં 35ની એવરેજથી 252 રન બનાવ્યા હતા. ખાસ કરીને ગુજરાત સામેની મેચમાં તેણે માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તે IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. હવે તે IPL 2026માં ફરી એકવાર મેદાન ગજવવા માટે તૈયાર છે.
અંડર-19 વર્લ્ડ કપના ફાઇનલમાં રમી હતી ઐતિહાસિક ઇનિંગ
વૈભવ માત્ર શોર્ટ ફોર્મેટ જ નહીં, પરંતુ લાંબી ઇનિંગ્સ રમવામાં પણ માહિર છે. અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે તેણે 175 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેના કારણે ભારતે ખિતાબ જીત્યો હતો. તેના આંકડા પણ તેની ક્ષમતાની સાક્ષી પૂરે છે:
- T20 ક્રિકેટ: 18 મેચમાં 204.37ના સ્ટ્રાઈક રેટથી 701 રન (3 સદી).
- લિસ્ટ A: 8 મેચમાં 353 રન (1 સદી, 1 અર્ધસદી).
- ફર્સ્ટ ક્લાસ: 8 મેચમાં 207 રન.

