IPL 2026: ભુવનેશ્વર કુમાર રચી શકે છે નવો ઇતિહાસ, પ્રથમ મેચમાં જ 200 વિકેટના આંકડા પર નજર
આઈપીએલ 2026ની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સિઝનની પ્રથમ મેચમાં જ ભારતનો અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર એક એવી સિદ્ધિ હાંસલ કરી શકે છે, જે અત્યાર સુધી આઈપીએલના ઈતિહાસમાં કોઈ ફાસ્ટ બોલર કરી શક્યો નથી. ભુવી અત્યારે 200 વિકેટના જાદુઈ આંકડાથી માત્ર બે ડગલાં દૂર છે.
ફાસ્ટ બોલિંગમાં બનશે ‘કિંગ ઓફ આઈપીએલ’
ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી આઈપીએલમાં 190 મેચ રમી છે અને તેના નામે 198 વિકેટ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આગામી મેચમાં જો ભુવી માત્ર 2 વિકેટ ઝડપી લેશે, તો તે આઈપીએલ ઈતિહાસમાં 200 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર બની જશે. જોકે સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પહેલાથી જ આ યાદીમાં ટોચ પર છે, પરંતુ ફાસ્ટ બોલરોની શ્રેણીમાં ભુવનેશ્વર કુમાર નવો કિર્તીમાન સ્થાપિત કરશે.
તેના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે બે વાર પાંચ વિકેટ હોલ (5-wicket haul) અને બે વાર ચાર વિકેટ હોલ લેવાની સિદ્ધિ મેળવી છે, જે તેની સાતત્યપૂર્ણ બોલિંગનો પુરાવો છે.
સૌથી વધુ વિકેટ લેનારા ટોચના બોલરો
આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલના નામે છે. ચહલે 174 મેચમાં 221 વિકેટ ઝડપી છે અને તે અત્યાર સુધી 200 વિકેટનો આંકડો પાર કરનાર એકમાત્ર ખેલાડી છે. હવે ભુવનેશ્વર પાસે આ એલીટ લિસ્ટમાં જોડાવાની સુવર્ણ તક છે.
આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓ:
- યુઝવેન્દ્ર ચહલ: 174 મેચમાં 221 વિકેટ
- ભુવનેશ્વર કુમાર: 190 મેચમાં 198 વિકેટ
- સુનીલ નરેન: 189 મેચમાં 192 વિકેટ
- પીયૂષ ચાવલા: 192 મેચમાં 192 વિકેટ
- આર. અશ્વિન: 221 મેચમાં 187 વિકેટ
IPL 2025માં શાનદાર પ્રદર્શન અને RCBની જીતમાં ફાળો
ગયા વર્ષે એટલે કે આઈપીએલ 2025માં ભુવનેશ્વર કુમારનું ફોર્મ જોરદાર રહ્યું હતું. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગત સીઝનમાં તેણે 14 મેચોમાં 17 વિકેટ ઝડપી હતી. સૌથી મહત્વની વાત એ છે કે તેણે ફાઈનલ મેચમાં પણ દબાણની સ્થિતિમાં બે મહત્વની વિકેટો ઝડપીને ટીમને ચેમ્પિયન બનાવવામાં મદદ કરી હતી.

