આયુષ્યમાન ભારત સહિત આરોગ્યને લગતી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોના દવાખાનામાં ડોક્ટર ન હોય તો સરકારના તમામ પ્રયાસો વ્યર્થ છે, કેમ કે ગામડામાં સરકારી ડોક્ટરો જતા નથી, બઘાં ડોક્ટરોને શહેરોમાં કામ કરવું છે, કારણ કે શહેરોમાં તેમની ખાનગી પ્રેક્ટિસ ધૂમ ચાલતી હોય છે.
સરકાર પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનોની કોઇ કમી નથી પરંતુ ગ્રામ્ય કક્ષાએ મેનપાવરની અછત છે. સરકાર અનેક પ્રલોભનો આપે છે છતાં ડોક્ટર થયેલા ઉમેદવારને ગામડામાં જવું નથી. એનો મતલબ એ થયો કે આજકાલ ગ્રામ્ય મેડીકલ સેક્ટરમાં કોઇને સેવા કરવી ગમતી નથી.
ગુજરાતના ગ્રામ્ય આરોગ્યની સ્થિતિ અત્યંત ખરાબ થઇ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ પ્રોત્સાહનો છતાં ખાનગી ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવા તૈયાર થતા નથી. સરકાર પાસે દવા અને મશીનરીનો પુરતો જથ્થો છે પણ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફની ગંભીર અછત છે. ઇમરજન્સીના કેસમાં દર્દીને સમયસર સારવાર આપી શકાતી નથી. તબીબી અછતના કારણે ગામડામાં પ્રસૂતિ દરમ્યાન મહિલા અને નવજાત બાળકના મૃત્યુનું પ્રમાણ વધી જાય છે.
મૃત્યુના કિસ્સા વધતાં ટીકાનો ભોગ બનેલી ગુજરાત સરકાર દર બે વર્ષે ડોક્ટરોને ગામડામાં જવા માટેની પ્રોત્સાહક યોજનાઓ બહાર પાડતી હોય છે છતાં સરકારનો ગોલ સિદ્ધ થતો નથી, કારણ કે આ પ્રોત્સાહનમાં ઓછું મહેનતાણું અને ગામડામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ જેવા પરિબળો ડોક્ટરોને જવા માટે મજબૂર કરી શકતા નથી.
આરોગ્ય વિભાગના એક આદેશમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના અગ્રીમતા ધરાવતા 77 તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જો કોઇ ડોક્ટર રહેઠાણ સાથે હાજરી આપશે તો સરકાર તેને આકર્ષક પગાર અને બીજા લાભો આપવા તૈયાર છે છતાં ડોક્ટરો ગામડાના આરોગ્ય કેન્દ્રમાં ઓછા જાય છે.
સરકારે 164 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 48 સામૂહિક આરોગ્ય કેન્દ્રો નિશ્ચિત કર્યા છે જે 77 હાઇ પ્રાયોરિટી તાલુકામાં આવે છે. રાજ્યના આરોગ્ય વિભાગે નક્કી કરેલા 77 તાલુકા અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દ્વારકા, કચ્છ, મહિસાગર, નર્મદા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ જિલ્લામાં આવેલા છે કે જ્યાં ડોક્ટરો કે નિષ્ણાંતો પ્રેક્ટિસ કરવા જતા નથી. એ ઉપરાંત પાંચ હોસ્પિટલ નિયત કરી છે કે જે સંતરામપુર, દેવગઢબારિયા, ધ્રાંગધ્રા, આહવા અને રાજપીપળામાં આવેલી છે.
સરકારે પસંદ કરેલા તાલુકાના આરોગ્ય કેન્દ્રો મુખ્યત્વે આદિવાસી વિસ્તારમાં આવે છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્રોની મરામત કરીને ડોક્ટરો તેમજ સ્ટાફ માટે તમામ સુવિધા યુક્ત નિવાસસ્થાન બનાવવામાં આવે અને ડોક્ટરોના ઇન્સેન્ટીવ વધારવામાં આવે તો સરકારની આ યોજના ફળીભૂત થશે. નવા એમબીબીએસને ગામડામાં બે વર્ષ સુધી પ્રેક્ટિસ કરવાની ફરજ પાડવામાં આવે છે પરંતુ 60 ટકા કિસ્સામાં નવા ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રોમાં જતા નથી, અને જાય છે તો મોડી સાંજે શહેરમાં પાછા આવી જાય છે. રાત્રી રોકાણ કરનારા ડોક્ટરોની સંખ્યા માત્ર 45 ટકા છે.