ગાંધીજીએ જેના માટે સત્યાગ્રહ કર્યો હતો તે મીઠાના ઉત્પાદન સામે ગુજરાતમાં રાજ્ય સરકારના કેટલાક નિયંત્રણો હોવાથી મીઠાના ભાવ વધી રહ્યાં છે. બીજીતરફ ઝડપથી મંજૂરીઓ મળતી નથી તેથી ઉત્પાદનને માઠી અસર થઇ છે. રાજ્યમાં ભાડાપટ્ટાનો દર એટલો બઘો ઉંચો છે કે સોલ્ટ ઉત્પાદકો કામગીરી કરી શકતા નથી. ગુજરાતમાં મીઠા ઉત્પાદકો પ્રતિ હેક્ટર 988 રૂપિયા ચૂકવે છે જ્યારે મહારાષ્ટ્રમાં આ દર માત્ર 22 રૂપિયા છે.
ગુજરાતનું મીઠું આખું દેશ ખાય છે. ભારતના કુલ ઉત્પાદનના 80 ટકા મીઠું માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થાય છે. ઉત્પાદકો કહે છે કે મીઠાના ઉત્પાદન માટે મહત્ત્વની લીઝ રિન્યુઅલ અંગે કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે અને આ માટે ચેક લિસ્ટ રાખવામાં આવે જેથી રિન્યુઅલની કામગીરી ઝડપથી પૂર્ણ થાય.
આ અંગે નો ઓબ્જેક્શન સર્ટિ મંગાવવામાં આવે છે તે નવી જમીનની ગ્રાન્ટ સમયે જ માંગવી જોઈએ. તેથી માત્ર રિન્યુઅલ સમયે ફરીથી તમામ પ્રક્રિયા કરવી ન પડે. એટલું જ નહીં સોલ્ટ કમિશનરનો અભિપ્રાય લેવાનો રહેતો નથી કારણ કે ભારત સરકાર દ્વારા સોલ્ટ ડિપાર્ટમેન્ટ જ બંધ કરી દેવામાં આવ્યું છે.
ગુજરાતમાં મીઠાની લીઝ આપવામાં સરકારની બેદરકારી સામે આવી છે. 2013થી મોટી સંખ્યામાં લીઝ રિન્યુની અરજીઓ પડતર છે. ઉત્પાદકો કહે છે કે મીઠા ઉત્પાદન માટેની ભાડાપટ્ટાની જમીન પર લાગુ પાડવામાં આવતો પ્રતિ ચોરસ મીટરનો 10 પૈસાનો બિનખેતી કર ભાડાપટ્ટાની જમીન પર લાગુ પાડી શકાય નહીં પરંતુ સરકાર તે ચાલુ રાખે છે જે વ્યાજબી નથી.
દેશના અન્ય રાજ્યોમાં ભાડાપટ્ટામાં જે ભાડું લેવામાં આવે છે તે પૈકી ગુજરાતના દર ખૂબ ઉંચા છે. ગુજરાતમાં આ દર 988 પ્રતિ હેક્ટર છે. જ્યારે તામિલનાડુમાં 333 પ્રતિ હેક્ટર, રાજસ્થાનમાં 247 પ્રતિ હેક્ટર, આંધ્રપ્રદેશમાં 151 પ્રતિ હેક્ટર, મહારાષ્ટ્રમાં 22 પ્રતિ હેક્ટર અને ઓરિસ્સામાં પ્રતિ હેક્ટર 16નો દર છે. ગુજરાતમાં આ દર ઘટાડવાની જગ્યાએ 2014માં 15 ટકાનો વધારો ઝિકીં દેવામાં આવ્યો છે.