વિશ્વમાં બદલાતી જતી મેડીકલ ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાતમાં થવાથી હવે રાજ્યમાં પુરૂષો અને મહિલાઓના સરરાશ જીવનમાં વધારો થયો છે. ગુજરાતમાં આજે પુરૂષ સરેરાશ 67.6 વર્ષ અને મહિલા 70.5 વર્ષ સુધી જીવે છે.
ગુજરાતની આરોગ્ય વિષયક સુવિધા એ સમગ્ર દેશમાં મેડિકલ ટુરિઝમમાં સૌથી વધુ ઉભરતું સેક્ટર છે. ઉત્તમ અને સરળ આરોગ્ય સારવારના કારણે ગુજરાતમાં બર્થ લાઇફ એક્પેક્ટેન્સીમાં પુરૂષની 62.3 ટકાથી વધીને 67.5 થઇ છે જ્યારે મહિલાની 64.2 ટકાથી વધીને 70.5 થવા જાય છે.
કેન્દ્ર સરકારના છેલ્લા રિપોર્ટ પ્રમાણે કુલ વસતીમાં સરેરાશ આયુષ્ય 68.8 છે જે વર્ષો પહેલાંના આંકડા કરતાં વધુ છે. લોકોની સરેરાશ ઉંમરમાં થયેલો વધારો ટેકનોલોજીનો બદલાવ છે. સમગ્ર દેશમાં કેરાલા રાજ્ય એવું છે કે જ્યાં લોકોનું સરેરાશ આયુષ્ય દેશના અન્ય રાજ્યો કરતાં વધુ છે.
ગુજરાતમાં વાયબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં આરોગ્ય સુવિધા અને ફાર્મસીના પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં 40,000 કરોડના એમઓયુ સાઇન થયા છે જે પૈકી 15000 કરોડના પ્રોજેક્ટ્સમાં તો કામગીરી પૂર્ણ થવા આવી છે અને 10,000 કરોડના પ્રોજેક્ટ્સમાં કામગીરી ચાલી રહી છે. નવા પ્રોજેક્ટ્સમાં ખાનગી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલો, મેડિકલ ડિવાઇસ મેન્યુફેક્ચરીંગ, હેલ્થ ક્લબો, આયુષ સંલગ્ન હેલ્થકેર સેન્ટરો, નવી મેડિકલ કોલેજો અને સંશોધન કેન્દ્રો ઉભા થઇ રહ્યાં છે.
ગુજરાતમાં સૌને માટે આરોગ્ય મંત્રમાં શાળા અને મહાશાળામાં અભ્યાસ કરતાં પોણા બે કરોડ બાળકોના આરોગ્યની ચકાસણી તેમજ મફત સારવાર કરવામાં આવે છે. ગુજરાતમાં સિવિલ કેમ્પસ ખાતે હાર્ટ, કિડની અને કેન્સરની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલો આવેલી છે. ગુજરાતમાં ગમે ત્યાં તમે ત્યારે સારવાર માટે 108 નંબરની એમ્બ્યુલન્સ સર્વિસને ભારત સરકારના અનેક એવોર્ડ મળેલા છે. ગુજરાત સરકારે હેલ્થકેરમાં પીપીપી મોડલ અપનાવ્યું છે જેના કારણે આ સેક્ટરમાં વધુને વધુ મૂડીરોકાણ આવી રહ્યું છે.
નિરામય પ્રથમ સુખં મતં.. ના મંત્રને સાકાર કરનારૂં ગુજરાત ગર્ભમાં રહેલા બાળક થી લઇને તમામ ઉંમરના નાગરિકો સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી રહે અને બિમાર થયા હોય તો જલદી સાજા થઇ જાય તેવી તમામ વ્યવસ્થા, અદ્યતન સુવિધા સાથે મળે તે માટે સરકારે આરોગ્યના અનેક પ્લાન બનાવ્યા છે.
ગુજરાતમાં અમદાવાદ એકમાત્ર મેડિકલ ટુરિઝમ ક્ષેત્રનું સૌથી વિશાળ ડેસ્ટીનેશન છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદને મેડિકલનું હબ બનાવવાની કરેલી જાહેરાત પ્રમાણે આજે રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોને આધુનિક લૂક આપીને તેનું એક્સપાન્સન કરવામાં આવ્યું છે, ખાસ કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ કે જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલનું બિરૂદ ધરાવે છે ત્યાં ભારતભરના જ નહીં વિશ્વના અનેક દેશોના દર્દીઓ સારવાર માટે આવે છે.
ગુજરાતમાં આરોગ્યની સુવિધાઓ વધી છે જેથી વિશ્વમાંથી સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા પણ વધી છે. સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલોમાં આફ્રિકાથી આવતા પ્રવાસીઓ પૈકી 80 ટકા તો મેડિકલ ટુરિઝમ માટે આવે છે અને તેનું મુખ્ય કારણ અદ્યતન સારવાર માટે થતો ઓછો ખર્ચ કહી શકાય છે.