ગાંધીનગર — ગુજરાતની એક યુનિવર્સિટી તેના શ્રેષ્ઠ અધ્યાપકોને ટેક-ગુરૂ એવોર્ડ આપવા જઇ રહી છે. આ યુનિવર્સિટી પાસે વિક્રમી અધ્યાપકો છે અને તેઓ ઇજનેરીની વિવિધ શાખાના વિદ્યાર્થીઓને ભણાવે છે. આ યુનિવર્સિટી એ રાજ્યની સૌ પ્રથમ છે કે જે ટેક ગુરૂ એવોર્ડ આપી રહી છે. આ યુનિવર્સિટી સાથે સંલગ્ કોલેજોના એન્જીનીયરીંગ, ફાર્મસી મેનેજમેન્ટ અને આર્કિટેક્ચરની જુદી-જુદી શાખાના અધ્યાપકોને કુલ 15 એવોર્ડ આપવામાં આવશે.
રાજ્યમાં ટેકનિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસારમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) નું નામ અગ્ર સ્થાને છે. 450 થી પણ વધારે સંલગ્ન કોલેજ અને 17000 પણ વધારે ફેકલ્ટી ધરાવતી જીટીયુ રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે. તેના પાયાના મૂળમાં જીટીયુ સંલગ્ન અધ્યાપકોનો સિંહફાળો છે.
2019ના વર્ષથી જીટીયુ દ્વારા “ટેક ગુરૂ એવોર્ડ”ની શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2020 માટે જુદી-જુદી શાખાના 15 એવોર્ડ માટેની અરજી અધ્યાપકો પાસેથી મંગાવવામાં આવી છે. એન્જીનીયરીંગ, ફાર્મસી , મેનેજમેન્ટ અને આર્કિટેક્ચરના ડિપ્લોમાથી લઈને માસ્ટર સુધીના તમામ અભ્યાસક્રમની દરેક શાખાના અધ્યાપકોને કુલ 10 કેટેગરીમાં 15 એવોર્ડ આપીને સન્માનિત કરાશે. અધ્યાપકો આગામી તારીખ 25 ઓગસ્ટ સુધી જીટીયુ દ્વારા પ્રકાશિત http://bta.gtu.ac.in/. લીંક પર મંગાવેલ તમામ દસ્તાવેજોને પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.
અધ્યાપકોની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને જીટીયુની કમિટી દ્વારા આગામી તારીખ 5 સપ્ટેમ્બર 2020ને શિક્ષકદિનના દિવસે પસંદગી પામેલ અધ્યાપકોને ટેક ગુરૂ એવોર્ડ આપવામાં આવશે. આ માટેની વધુ વિગત જીટીયુની વેબસાઈટ પરથી પણ મેળવી શકાશે.