કોરોનાવાયરસ સંકટને કારણે નોકરીઓ ગુમાવવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. જુલાઇ મહિનામાં દેશના ઘણાં રાજ્યોએ નવેસરથી લોકડાઉન લાગું કરવાના કારણે 50 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી હતી.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)ના ડેટા અનુસાર અત્યાર સધીમાં કોરોના સંકટને કારણે 18.9 મિલિયન અર્થાત અંદાજે 1.9 કરોડ લોકોએ પોતાનો રોજગાર ગુમાવવો પડ્યો છે. હજુ પણ સેલેરીડ ક્લાસની નોકરીઓ જવાની વાત ચિંતાનું કારણ બની છે. સીએમઆઇઇના ડેટા અનુસાર એપ્રિલ 2020માં 1.8 કરોડ નોકરી ગુમાવવી પડી હતી. જો કે મેમાં આ આંકડો ઓછો થઇને 1 લાખ પર આવ્યો હતો.
તે પછી જૂનમાં સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો અને 30 લાખ લોકોએ નોકરીઓ પાછી મળી હતી. જો કે એકવાર ફરી ઘણાં રાજ્યોમાં લોકડાઉનનો સમયગાળો વધારવાથી અને પ્રતિબંધોનો લાગુ કરવાને કારણે 50 લાખ લોકોએ જુલાઇ મહિનામાં રોજગાર ગુમાવવાનો વારો આવ્યો હતો.
સીએમઆઇઇ ડેટા અનુસાર લોકડાઉનની શરૂઆતથી લઇને 31 જલાઇ દરમિયાન દેશમાં લગભગ 1.9 કરોડ લોકોના રોજગારને ફટકો પડ્યો હતો. જુલાઇમાં સુધારા થવાની આશા હતી પણ મોટા પાયે નોકરીઓ છીનવાતા ચિંતા ઘેરી બની હતી.