જમ્મુ-કાશ્મીરમાં તૈનાત અર્ધલશ્કરી દળો બાબતે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કરીને ત્યાંથી સીઆરપીએફના 10,000 જવાનોને તત્કાળ પાછા ખેંચી લેવાનો આદેશ કર્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીને બંધારણીયની કલમ 370 રદ કરવામાં આવ્યા પછી વધારાના સૈન્યને ખીણ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા પછી સુરક્ષા દળોનું આ સૌથી મોટું વાપસી અભિયાન હોવાનું તેમણે કહ્યું હતું.
તેઓએ કહ્યું કે ગૃહ મંત્રાલયે કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)ની કેન્દ્રશાસિત પ્રદેશમાં તૈનાતીની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે છેલ્લે મે મહિનામાં આ કેન્દ્ર શાષિત પ્રદેશમાંથી સીઆરપીએફની 10 કંપની પાછી ખેંચી લીધી હતી, જ્યારે ગયા વર્ષે ડિસેમ્બરમાં 72 આવા યુનિટોને ત્યાંથી પાછા ખેંચવામાં આવ્યા હતા.
એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, કુલ 100 સીએપીએફ કંપનીઓને બુધવારે તાત્કાલિક પાછૂ ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તેમને દેશના તેમના પાયાના સ્થળો પર પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે. નિર્દેશ અનુસાર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની કુલ 40 કંપનીઓ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ) અને બોર્ડર સિકયુરિટી ફોર્સ (બીએસએફ) અને સશસ્ત્ર સીમા બલની 20-20 કંપનીઓને આ અઠવાડિયે જમ્મુ-કાશ્મીરમાંથી ખસેડી લેવાશે.
તેઓએ જણાવ્યું હતું કે સીઆરપીએફને દિલ્હી અને અન્ય સ્થળોએ આ એકમોના એર લિફ્ટિંગ માટેની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. સીએપીએફની એક કંપનીમાં લગભગ 100 જવાનો હોય છે. જે યૂનિટને પાછા ખેંચવામાં આવી રહ્યા છે તે જમ્મુ અને શ્રીનગર બંનેમાં તૈનાત છે. એવું માનવામાં આવે છે કે ગૃહ મંત્રાલયનો આ નિર્ણય ખીણ વિસ્તારમાં વિશ્વાસ બહાલીના પગલા તરીકે જોવા આવી રહ્યું છે.