ગુનો કોઇ કરે અને દંડ બીજા ભોગવે તેવો ન્યાય ગુજરાતનું ઉર્જા વિભાગ કરી રહ્યું છે. ગુજરાતની ચાર સરકારી કંપનીઓની ભૂલ કે કસૂરના કારણે રાજ્યના સવા કરોડ કરતાં વધુ વીજ ગ્રાહકોને વર્ષે 2100 કરોડ રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યાં છે. આ કંપનીઓનો કસૂર એટલો છે કે તેઓ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન (ટીએન્ડડી) લોસ ઘટાડી શકતી નથી.
ઉર્જા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતની વીજ વિતરણ કંપનીઓનો ટીએનડી લોસ 23 ટકા હતો તે ઘટીને 17 ટકા થયો છે પરંતુ રાજાધ્યક્ષ કમિટિની ભલામણ પ્રમાણે ટીએન્ડડી લોસ 12 ટકા લઇ જવો ઇચ્છનિય છે, કેમ કે તેનું ભારણ વીજ ગ્રાહકો પર પડે નહીં. આ કમિટિએ નિયત કર્યું છે કે 8 ટકા ડિસ્ટ્રીબ્યુશન લોસ અને 4 ટકા ટ્રાન્સમિશન લોસ હોવો જોઇએ.
ગુજરાત વીજ નિયમન પંચમાં એન્યુઅલ રેવન્યુ રિક્વાયરમેન્ટના નામે વીજદરમાં વધારો કરવા માટે જે હિસાબો રજૂ કરવામાં આવે છે તેમાં ટીએન્ડડી લોસના આંકડા સ્વિકારી લેવામાં આવતા હોય છે. ગુજરાતની વીજ કંપનીઓમાં ટીએન્ડડી લોસ 17 ટકા હોવાથી વીજ ગ્રાહકોના બીલમાં યુનિટદીઠ સાત પૈસાનું વધારાનું ખર્ચ સામેલ કરવામાં આવે છે.
ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં ભૂતકાળમાં ટીએન્ડડી લોનસ 30 થી 40 ટકા આવતો હતો તે ઘટાડીને અત્યારે 17 ટકા થયો છે. હજી ઘટાડવાના પ્રયાસ ચાલુ છે. જો કે બીજી તરફ ગુજરાત વીજ નિયમન પંચે ટીએન્ડડી લોસમાં 12 ટકા વીજ લોસને માન્ય રાખવો જોઇએ કે જેથી ગ્રાહકોના હિતમાં કામ કરતા આ પંચની વિશ્વસનિયતા વધી શકે.
ગુજરાત સરકારની વીજ કંપનીઓનો ટીએન્ડડી લોસ વધુ આવતો હોવાથી સરકારને ખાનગી વીજ એકમો પાસેથી વીજળી ખરીદ કરવી પડે છે, જે સરવાળે મોંઘી પડે છે. સરકાર યુનિટદીઠ સરેરાશ 5.65 રૂપિયાના અંદાજીત ભાવ સાથે 450 કરોડ યુનિટ વીજળી ખાનગી કંપનીઓ પાસેથી ખરીદે છે તેથી આ વધારાનો બોજ આવતો હોય છે.
સમગ્ર દેશમાં ટીએન્ડડી લોસમાં ગુજરાતનો ક્રમ ત્રીજો આવે છે. ગુજરાત કરતાં ઓછો ટીએન્ડડી લોસ જે રાજ્યમાં છે તેમાં તામિલનાડુ અને કર્ણાટકની સરકારી કંપનીઓ આવે છે. રાજ્યમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનો ટીએન્ડડી લોસ 24.45 ટકા છે જે સૌથી ઉંચો છે. બીજાક્રમે 15.15 ટકા સાથે ઉત્તર ગુજરાત વીજ કંપની, ત્રીજાસ્થાને 13.95 ટકા સાથે મધ્ય ગુજરાત વીજ કંપની અને ચોથાક્રમે 9.85 ટકા સાથે દક્ષિણ ગુજરાત વીજકંપની આવે છે.